કેનેડાના આ મોટા અધિકારીએ ભારત આવીને કહ્યું કે આ મુદ્દો સરકારનો છે અને તેમને જ ઉકેલવા દો…
કેનેડિયન ડેપ્યુટી આર્મી ચીફ મેજર જનરલ પીટર સ્કોટે કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનથી ઈન્ડો-પેસિફિક કોન્ફરન્સમાં કેનેડિયન આર્મીની હાજરી પર કોઈ અસર નહીં પડે. બંને સરકારોને આ મુદ્દો ઉકેલવા દો. કેનેડાના ડેપ્યુટી આર્મી ચીફ મેજર જનરલ પીટર સ્કોટ હાલમાં 13મી દ્વિવાર્ષિક ઈન્ડો-પેસિફિક આર્મી ચીફ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
મેજર જનરલ સ્કોટે કહ્યું હતું કે હું વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદનથી સંપૂર્ણપણે વાકેફ છું. પરંતુ અહીં ઈન્ડો-પેસિફિક કોન્ફરન્સમાં આપણા પર તેની કોઈ અસર થવી ન જોઇએ. અમે અહીં સૈન્ય સાથેના લશ્કરી સંબંધો બનાવવા માટે આવ્યા છીએ અને અમે અમારી સરકારોને તે મુદ્દા પર ચર્ચા કરવા દઇએ એ વધારે યોગ્ય રહેશે.
કેનેડા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તાલીમમાં ભાગ લેવા ઉત્સુક છે. તેમણે કહ્યું હતું કે અમે ઈન્ડો-પેસિફિક આર્મી ચીફ્સ કોન્ફરન્સ (IPAC) 2023ના ભાગ રૂપે અહીં આવવા માટે અમે ભારતના આભારી છીએ. આ કોન્ફરન્સ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જ્યાં તેઓ સમાન રુચિ ધરાવતા અન્ય દેશોના નેતાઓને મળી શકે છે. ભારતે તેની યજમાની કરી તેના માટે અમે ખૂબ જ આભારી છીએ.
નોંધનીય છે કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સની સેનાઓ 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન 13મી દ્વિવાર્ષિક ઇન્ડો-પેસિફિક આર્મી ચીફ્સ કોન્ફરન્સ (IPACC) 47મો વાર્ષિક ઇન્ડો-પેસિફિક આર્મી મેનેજમેન્ટ સેમિનાર (IPAMS) 9મો સિનિયર એનલિસ્ટેડ ફોરમનું આયોજન કરશે. આ ઈવેન્ટ એ સેના, નૌકાદળો, હવાઇ દળો માટે સૌથી મોટી કોન્ફરન્સ છે. આ બેઠકોનો ઉદ્દેશ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર સમજણ, સંવાદ અને મિત્રતા દ્વારા શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો છે.
કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો ભારત સરકાર પર આરોપ મૂક્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત તંગ બની ગયા છે. ભારતે આ આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા. આ કેસમાં કેનેડાએ એક ભારતીય અધિકારીને હાંકી કાઢ્યા હતા અને તેના બદલામાં ભારતે કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. આ ઉપરાંત ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે નિજ્જર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક હતો અને તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું. પશ્ચિમ કેનેડામાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગુરુદ્વારાની બહાર 18 જૂને નિજ્જરની બે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.