‘તો આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ઇકોનોમિક કોરીડોર હોત..’ પાક.ના પૂર્વ પીએમનો ભારત પ્રેમ ઉભરાયો
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ શનિવારે પાકિસ્તાન પરત ફર્યા છે. લાહોર ખાતે આવેલા મિનાર-એ-પાકિસ્તાનમાં વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે નિવેદન આપ્યું હતું કે ભારત સાથે સંબંધો સારા રાખવા પડશે. કાશ્મીરનો મુદ્દો ઉકેલીને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારી શકાય એમ છે.
લંડનથી ચાર વર્ષ બાદ પરત ફરેલા 73 વર્ષના પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે શનિવારે જાહેર જનતાને સંબોધતા ફરી એજ જૂનો રાગ આલાપ્યો છે. ભારત સાથેના સંબંધો અંગે તેમણે કહ્યું છે કે આપણે આપણા પડોશીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવાના છે. દુનિયા સાથે ખરાબ સંબંધો જાળવીને આપણે આપણા દેશને પ્રગતિના પંથે લઈ જઈ શકતા નથી. તેથી આપણે દરેક સાથે સારા સંબંધો રાખવા પડશે, તો જ આપણે આગળ વધી શકીશું. આપણે આપણા પગ પર ઊભા રહેવાનું છે. આપણી કોમી એકતા મજબૂત કરવી પડશે.
“અમે સ્વતંત્ર અને વ્યાપક વિદેશ નીતિ ઈચ્છીએ છીએ. અમે પાડોશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરીને પાકિસ્તાનને આર્થિક શક્તિ બનાવવા માંગીએ છીએ. અન્યો સાથે લડાઈ કે સંઘર્ષ કરીને પાકિસ્તાનનો વિકાસ થઈ શકતો નથી. હું વિકાસમાં માનું છું, પરિવર્તનમાં નહીં.” તેમ કહેતા નવાઝે તેમના સંબોધનમાં બાંગ્લાદેશ અને ભારતનો ઉલ્લેખ કરવા ઉપરાંત સેનાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું, “જો પાકિસ્તાનના ભાગલા ન પડ્યા હોત તો આજે ભારત-પાકિસ્તાન વચ્ચે એક ઇકોનોમિક કોરીડોર બનાવાયો હોત.” ત્યારબાદ પોતાની માતા અને પત્નીના અવસાનને યાદ કરતા નવાઝ ભાવુક થઇ ગયા હતા અને કહ્યું હતું કે રાજકારણના કારણે મેં મારી માતા અને મારી પત્નીને ગુમાવ્યા છે.
નવાઝના પત્નીનું 2018માં લંડનમાં 70 વર્ષની વયે અવસાન થયું હતું. તે સમયે શરીફ અને તેમના પુત્રી મરિયમ બંને ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાનમાં જેલમાં સજા કાપી રહ્યા હતા. નવાઝ ચાર વર્ષ લંડનમાં વિતાવ્યા બાદ શનિવારે દુબઈથી ઈસ્લામાબાદ પહોંચ્યા હતા.