પાકિસ્તાનના પૂર્વ પીએમની પત્નીને થઈ સજા, આટલા વર્ષ જેલ
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની એક અદાલતે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(પીટીઆઇ)ના સ્થાપક ઇમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને ૧૪ વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત દંપતીને ૧૦ વર્ષ માટે જાહેર પદ પર રહેવા પર પ્રતિબંધ અને ૭૮૭ મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ ચુકાદાના એક દિવસ પહેલા પાકિસ્તાનની વિશેષ અદાલતે ખાન અને પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન શાહ મેહમૂદને રાજ્યના રહસ્યોના ઉલ્લંઘનના આરોપમાં ૧૦ વર્ષની જેલની સજા સંભળાવી હતી. ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફને ચૂંટણી પહેલા અસંખ્યા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં તેના ચૂંટણી ચિહ્ન ક્રિકેટ બેટને નકારવાથી લઇને ખાન, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરેશી અને અન્ય પક્ષના નેતાઓના નામાંકન પત્રોનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.
ગયા મહિને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો(એનએબી)એ સાઉદી ક્રાઉન પ્રિન્સ પાસેથી અમૂલ્ય મૂલ્યાંકન સામે મેળવેલ જ્વેલરી સેટને જાળવી રાખવા બદલ એકાઉન્ટેબિલિટી કોર્ટમાં બન્ને વિરુદ્ધ નવો કેસ દાખલ કર્યો હતો. ખાને કોર્ટને કહ્યું હતું કે તેની પત્નીને આ કેસ સાથે કોઇ લેવાદેવા નથી અને તેને બળજબરીથી તેમાં ખેંચીને અપમાનિત કરવામાં આવી રહી છે.
તાજેતરની સજા ખાનને સત્તામાંથી દૂર કરવામાં આવ્યા બાદ ૨૦૨૨ પછીની ત્રીજી સજા છે. અહેવાલો અનુસાર ખાન અને તેમની પત્નીને વિવિધ રાષ્ટ્રાધ્યક્ષો તરફથી ૧૦૮ ભેટ મળી હતી, જેમાંથી તેમણે ૫૮ ભેટ રાખી હતી. રાજ્યને ફરજિયાત કિંમત ચૂકવતી વખતે તેમના દ્વારા તેમનું ઓછું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું.