કામચટકાથી કચ્છ સુધી: દુનિયાના સૌથી વિનાશક ભૂકંપો અને તેની ભયાનક તવારીખો જાણો…

રશિયાના કામચટકા ટાપુ પર આજે સવારના આવેલા 8.8 તીવ્રતાના ભૂકંપે વિશ્વને ફરી કુદરતના રૌદ્ર સ્વરૂપની યાદ અપાવી છે. 8.8 તીવ્રતાના ભૂકંપ બાદ જાપાન, અમેરિકા અને અન્ય દેશોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જેનાથી લોકોમાં ભય અને ચિંતા વધી છે. જોકે, આ ઘટનામાં જાન-માલનું મોટું નુકસાન થયા હોવાના અહેવાલ મળી રહ્યા નથી. પરંતુ આ પ્રકારની કુદરતી સંકટે દુનિયાના ભૂતકાળના ભયાનક ભૂકંપોની યાદ અપાવી છે.
રશિયા નજીક આવેલા ભૂકંપને અગાઉ હચમચાવી નાખનાર આવેલા ભૂકંપોની યાદ અપાવી દીધી છે. જેને ઈતિહાસમાં પોતાની ભયાવહ છાપ છોડી છે. આ ભૂકંપોની તીવ્રતા રિક્ટર અથવા મોમેન્ટ મેગ્નિટ્યૂડ સ્કેલ (Mw) પર માપવામાં આવી છે, આ ભૂકંપથી વિવિધ જગ્યા પર જાણે કુદરતનો કહેર જોવા મળ્યો હતો. રશિયાથી લઈને જાપાન અને ભારત પણ ભયાનક ભૂકંપનો માર ખાઈ ચૂક્યું છે ત્યારે જાણીએ દુનિયાના વિનાશક ભૂકંપની તવારીખ.

વાલ્ડિવિયા, ચિલી (1960) – 9.5
1960માં ચિલીના વાલ્ડિવિયામાં આવેલો 9.5 તીવ્રતાનો ભૂકંપ વિશ્વનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે. આ ભૂકંપે 1,655 લોકોના જીવ લીધા અને 20 લાખ લોકો બેઘર થયા હતા. આ ઘટનાએ સુનામીની લહેરો ઉઠાવી હતી, જે હવાઈ અને જાપાન સુધી પહોંચી, પરંતુ નુકસાન અપેક્ષા કરતાં ઓછું થયું હતું.

અલાસ્કા, યુએસએ (1964) – 9.2
1964માં અલાસ્કાના પ્રિન્સ વિલિયમ સાઉન્ડમાં આવેલા 9.2 તીવ્રતાના ભૂકંપને ‘ગુડ ફ્રાઈડે’ ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૂકંપે જમીનને ઘણી જગ્યાએ ઉંચકી દીધી હતી. ભયંકર ભૂંકપ બાદ સુનામીની પણ દેશને હચમચાવી દીધો હતો. આ કુદરતી આફતમાં 130 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે 2.3 અબજ ડોલરનું નુકસાન થયું હતું.

સુમાત્રા, ઇન્ડોનેશિયા (2004) – 9.1
2004માં હિંદ મહાસાગરમાં સુમાત્રા નજીક આવેલા 9.1 તીવ્રતાના ભૂકંપે ઇતિહાસની સૌથી વિનાશક સુનામીને જન્મ આપ્યો હતો. આ આપદામાં 2.8 લાખથી વધુ લોકોના મોત થયા અને 11 લાખ લોકો બેઘર થયા. ભારત, શ્રીલંકા, થાઈલેન્ડ અને પૂર્વ આફ્રિકા સુધી તેની અસરો જોવા મળી હતી.

તોહોકુ, જાપાન (2011) – 9.1
2011માં જાપાનના તોહોકુ વિસ્તારમાં આવેલો 9.1 તીવ્રતાનો ભૂકંપ અને તેના પછીની સુનામીએ ભારે તબાહી મચાવી હતી. આ ઘટનામાં 15,000થી વધુ લોકોના મોત થયા અને 1.3 લાખ લોકો વિસ્થાપિત થયા. આ કુદરતી આફતે જાપાનના પરમાણું પ્લાન્ટને પણ મોટો પાયે નુકસાન પહોંચાડ્યું હતું.
કામચટકા, રશિયા (1952) – 9.0
1952માં રશિયાના કામચટકા પ્રાયદ્વીપમાં આવેલો 9.0 તીવ્રતાનો ભૂકંપે હવાઈ સુધી સુનામીની લહેરો ઉઠાવી હતી. આ ઘટનાએ કરોડોની સંપત્તિનું નુકસાન થયું હતું અને ભૂકંપના સમુદ્રી પ્રભાવોની ગંભીરતા વિશ્વ સમક્ષ આવી હતી.
મૌલે, ચિલી (2010) – 8.8
2010માં ચિલીના બાયોબાયો વિસ્તારમાં આવેલા 8.8 તીવ્રતાના ભૂકંપે 523 લોકોના જીવ લીધા અને 3.7 લાખથી વધુ ઘરો ધ્વસ્ત થયા હતા. આ ભૂકંપે દેશની વ્યવસ્થાને હચમચાવી દીધી અને ઘણા શહેરોનો સંપર્ક તૂટી ગયો.
ઇક્વાડોર-કોલંબિયા (1906) – 8.8
1906માં ઇક્વાડોર અને કોલંબિયાના દરિયાકાંઠે આવેલો 8.8 તીવ્રતાનો ભૂકંપે 1,500થી વધુ લોકોના મોતનું કારણ બન્યો હતો. તેની સુનામી લહેરો સેન ફ્રાન્સિસ્કો સુધી પહોંચી, પરંતુ તે સમયે સંચારની મર્યાદાઓને કારણે રાહત કાર્યોમાં મુશ્કેલી આવી.
રેટ આઇલેન્ડ, અલાસ્કા (1965) – 8.7
1965માં અલાસ્કાના રેટ આઇલેન્ડ્સ નજીક સમુદ્રમાં આવેલા 8.7 તીવ્રતાના ભૂકંપે 35 ફૂટ ઊંચી સુનામી લહેરો ઉઠી હતી. ઓછી વસ્તીવાળો વિસ્તાર હોવાથી જાન-માલનું નુકસાન મર્યાદિત રહ્યું, પરંતુ તેની અસર ઘણા તટીય વિસ્તારોમાં જોવા મળી.

અસમ-તિબેટ, ભારત-ચીન (1950) – 8.6
1950માં ભારતના અરુણાચલ પ્રદેશ અને તિબેટમાં આવેલા 8.6 તીવ્રતાના ભૂકંપે 780 લોકોના જીવ લીધા. આ ભૂકંપે જમીનમાં તિરાડો, રેતીના ફુવારા અને મોટા ભૂસ્ખલનનું કારણ બન્યું, જેની અસર લાંબા સમય સુધી રહી.
સુમાત્રા, ઇન્ડોનેશિયા (2012) – 8.6
2012માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક સમુદ્રમાં આવેલો 8.6 તીવ્રતાનો ભૂકંપે જોરદાર આંચકા આપ્યા. જોકે, આ ઘટનામાં જાન-માલનું મોટું નુકસાન થયું નહીં, અને મોટાભાગના મોત હૃદયરોગ જેવી તબીબી કટોકટીથી થયા.

કચ્છ, ભારત (2001) -7.7
ગુજરાતમાં 2001ના ભૂંકપે રાજ્ય સહિત દેશને હચમચાવી દીધો હતો. ગુજરાતમાં કચ્છના ભૂકંપ માટે સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. કચ્છમાં 1819માં 7.7-8.2 તીવ્રતાનો રણ ઓફ કચ્છ ભૂકંપ અને 2001માં 7.7 તીવ્રતાનો ભૂજ ભૂકંપ જેવી મોટી ઘટનાઓ નોંધાઈ હતી. 2001ના ભૂકંપમાં 13,800થી વધુ લોકોના મોત થયા હતા અને 4 લાખ ઘરને નુકસાન થયું હતું.