કેનેડામાં ખાલિસ્તાની સુખદુલ સિંહની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી
પંજાબના મોગા જીલ્લાની દવિન્દર બંબિહા ગેંગના ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનીકેની કેનેડાના વિનીપેગમાં બુધવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનીકેની હત્યાની જવાબદારી લીધી છે.
લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં ગોલ્ડી બ્રારનો પણ સમાવેશ થાય છે, જેણે સુખા દુનીકેની હત્યાની જવાબદારી લીધી છે. સુખા દુનીકે બંબિહા ગેંગ સાથે સંકળાયેલો હતો, જેની ગઈકાલે રાત્રે 20 સપ્ટેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ દુનિકાને 15 ગોળીઓ મારી હતી.
લૉરેન્સ બિશ્નોઈ ગેંગે ફેસબુક પોસ્ટ દ્વારા દુનીકેના હત્યા વિશે માહિતી આપતા લખ્યું કે, ગુરલાલ બ્રાર અને વિકી મિડખેરાની હત્યામાં સુખદુલ સિંહની મુખ્ય ભૂમિકા હતી. ગુરલાલ બ્રાર અને વિકી મિડખેરાની હત્યાનો પ્લાન દુનિકે વિદેશમાં હતો ત્યારે બનાવ્યો હતો. સુખદુલ સિંહને ડ્રગ્સ એડિક્ટ હતો. સુખદુલ સિંહે ઘણા લોકોનું જીવન બરબાદ કર્યું છે અને તેને તેના પાપોની સજા મળી રહી છે.
ગેંગે દાવો કર્યો હતો કે અન્ય ગેંગસ્ટર સંદીપ નાંગલ અંબિયાની હત્યા માટે સુખદુલ સિંહ પણ જવાબદાર હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેના દુશ્મનોને કડક ચેતવણી આપતા કહ્યું કે તેઓ શાંતિથી જીવી શકશે નહીં, પછી ભલે તેઓ ભારતમાં છુપાયેલા હોય કે અન્ય કોઈ દેશમાં.
સુખદુલ સિંહ ઉર્ફે દુનિકેના મૃત્યુની માહિતી મળ્યા બાદ, પંજાબ પોલીસે આજે ગુરુવારે સવારે કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડવાનું શરૂ કર્યું. આજે સવારે 7 વાગ્યાની આસપાસ પોલીસ ઓપરેશન શરૂ થયું હતું. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ કામગીરી ચાલી રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ કામગીરીમાં ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક પોલીસ ટીમો સામેલ છે.