બાંગ્લાદેશમાં વચગાળાની સરકારે પોર્ટફોલિયો ફાળવ્યા, મોહમ્મદ યુનુસના હસ્તકે ૨૭ મંત્રાલય
ઢાકા: બાંગ્લાદેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસે શુક્રવારે નવનિયુક્ત સલાહકારોની કાઉન્સિલના પોર્ટફોલિયોની જાહેરાત કરી અને સંરક્ષણ સહિત ૨૭ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો અને રાજદ્વારી મોહમ્મદ તૌહિદ હુસૈનને વિદેશ મંત્રાલયના વડા તરીકે નિયુક્ત કર્યા હતા.
નોબેલ પુરસ્કાર વિજેતા યુનુસે ગુરુવારે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે શપથ લીધા હતા – આ પદ વડા પ્રધાનની સમકક્ષ પદ છે. વિદ્યાર્થી નેતાઓ, સૈન્ય અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરીને અન્ય સલાહકારોની પસંદગી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘It hurts’ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે આખી દુનિયામાં અવાજ ઉઠ્યા પણ ભારતનો વિપક્ષ….
એક સત્તાવાર જાહેરાત મુજબ, યુનુસ મંત્રાલયોની વ્યાપક શ્રેણીની દેખરેખ રાખશે અને સંરક્ષણ, જાહેર વહીવટ, શિક્ષણ, ઉર્જા, ખાદ્ય, જળ સંસાધન અને માહિતી મંત્રાલયો સહિત ૨૭ પોર્ટફોલિયો પોતાની પાસે રાખશે. ભૂતપૂર્વ વિદેશ સચિવ હુસૈનને વિદેશ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે જ્યારે નિવૃત્ત આર્મી બ્રિગેડિયર જનરલ એમ સખાવત હુસૈનને ગૃહ મંત્રાલયની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે.
બાંગ્લાદેશ બેંકના ભૂતપૂર્વ ગવર્નર સલાહુદ્દીન અહેમદ નાણા અને આયોજન મંત્રાલયનો હવાલો સંભાળશે જ્યારે ભૂતપૂર્વ એટર્ની જનરલ એએફ હસન આરિફ સ્થાનિક સરકાર મંત્રાલયની દેખરેખ રાખશે.