Gen-Zની આંધી આફ્રિકામાં પહોંચી, વધુ એક દેશની સરકારને કરી દીધી ઘરભેગી

એન્ટાનાનારીવો: ભારે વિરોધ પ્રદર્શનોને કારણે આફ્રિકાના પૂર્વ કિનારે આવેલા ટાપુ દેશ માડાગાસ્કરની સરકાર પડી ભાંગી છે. વીજળી અને પાણીની અછતના મુદ્દે તાજેતરમાં ભારે પ્રદર્શનો થયા હતાં. લોકોના દબાણને કારણે રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલિનાએ સરકારનું વિસર્જન કરવાની ફરજ (Gov Resolved in Madagascar) પડી છે. મહત્વની વાત એ છે કે આ પ્રદર્શનોની આગેવાની યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી, તાજેતરમાં જ યુવાનોએ નેપાળની સરકાર ઉથલાવી દીધી હતી.
રાજધાની એન્ટાનાનારીવોમાં નબળી પાયાની સુવિધા બાબતે ગત અઠવાડિયે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો ધીમે ધીમે દેશભરમાં ફેલાઈ ગયા હતાં, આ વિરોધ પ્રદર્શન સોમવારે વધુ ઉગ્ર બન્યું હતું. રાજધાની એન્ટાનાનારીવોમાં હિંસા ફાટી નીકળી હતી, પ્રદર્શનોને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.
સોમવારે એન્ટાનાનારિવોની યુનિવર્સિટીમાં લોકો એકઠા થયા હતાં, લોકો હાથમાં પ્લેકાર્ડ લઇ અને રાષ્ટ્રગીત ગાઈને શહેરના મધ્ય તરફ કુચ કરતા જોવા મળ્યા હતાં. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. એહેવાલ મુજબ ટોળાને વિખેરવા રબર બુલેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કેટલાક લોકોએ પ્રદર્શનો ગેરલાભ ઉઠાવ્યો હતો. આ રાજધાની એન્ટાનાનારિવોના સુપરમાર્કેટ, દુકાનો અને બેંકોમાં લૂંટફાટના અહેવાલો મળ્યા છે. કેટલાક રાજકારણીઓના ઘરો પર પણ હુમલા કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિએ માફી માંગી:
સોમવારે એક સંબોધનમાં રાષ્ટ્રપતિ રાજોલીનાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી અને તેમની સરકારની નિષ્ફળતાઓ માટે માફી માંગી. તેમણે કહ્યું કે “સરકારના સભ્યોએ તેમને સોંપાયેલા કાર્યો પૂર્ણ ન કર્યા હોય તો અમે સ્વીકારીએ છીએ અને માફી માંગીએ છીએ.”
રાષ્ટ્રપતિ રાજોલીનાએ કહ્યું કે તેઓ યુવાનો સાથે વાતચીતનો એક માર્ગ ખોલવા માંગે છે. રાજોલીનાએ વિરોધ પ્રદર્શનો દરમિયાન જેમને નુકસાન થયું છે એવા વ્યવસાયોને મદદ કરવાનું વચન આપ્યું.
માડાગાસ્કર વર્ષોથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, તે આફ્રિકાના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. વિશ્વ બેંકના આંકડા મુજબ વર્ષ 2022 માં દેશની 3 કરોડની વસ્તીના લગભગ 75 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા હતાં.
આ પણ વાંચો…દેવેન્દ્ર ફડણવીસે કેમ કહ્યું કે ભારતના Gen-Z નેપાળ જેવું નહીં કરે