
તેલ અવીવઃ હમાસના હુમલા બાદ ઈઝરાયેલમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર, ઇઝરાયેલમાં મૃત્યુઆંક 1000ને વટાવી ગયો છે. આ દરમિયાન અમેરિકા અને ભારત જેવા દેશો ઇઝરાયેલની પડખે છે તો પાકિસ્તાન અને ઈરાને હમાસના હુમલાને સમર્થન આપ્યું છે. શનિવારની શરૂઆતમાં લડાઈ શરૂ થઈ ત્યારથી ઈઝરાયેલમાંથી મૃત્યુઆંકની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તે જ સમયે, પેલેસ્ટિનિયન અધિકારીઓએ કહ્યું છે કે ગાઝામાં લડવૈયાઓ સહિત 300થી વધુ લોકો માર્યા ગયા છે.
ઇઝરાયેલ પર હમાસના ઉગ્રવાદીઓ દ્વારા અણધાર્યા હુમલાના એક દિવસ પછી, લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાએ રવિવારે પણ વિવાદિત વિસ્તારમાં ત્રણ ઇઝરાયેલના લક્ષ્યો પર હુમલો કરવાથી સંઘર્ષ વ્યાપક સ્તરે ફેલાવાની સંભાવના વધી ગઇ છે. હમાસના ઉગ્રવાદીઓએ યહૂદીઓની રજા દરમિયાન શનિવારે ઇઝરાયેલ પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં 26 સૈનિકો સહિત ઓછામાં ઓછા 600 લોકો માર્યા ગયા હતા. ઉગ્રવાદીઓએ ઘણાને બંધક બનાવ્યા હતા અને તેમની સાથએ અમાનવીય વર્તન કર્યું હતું. ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા વળતા હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 3000 લોકો માર્યા ગયા. ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે તેણે ગાઝામાં 426 લક્ષ્યો પર હુમલો કર્યો અને મોટા વિસ્ફોટો સાથે ઘણી રહેણાંક ઇમારતોને નષ્ટ કરી દીધી છે.
તાજેતરના દાયકાઓમાં ઇઝરાયેલમાં આ સૌથી ભયાનક હુમલાઓમાંનો એક છે. આ હુમલાનો બદલો લેવાનો ઈઝરાયેલનો નિર્ધાર અને હિઝબુલ્લાહના હુમલાઓએ આ સંઘર્ષ વધુ ઊંડો થવાનું જોખમ વધારી દીધું છે. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ કટ્ટર દુશ્મનો છે અને ભૂતકાળમાં ઘણી વખત યુદ્ધો લડ્યા છે. 2006માં 34 દિવસના સંઘર્ષમાં લેબનોનમાં 1,200 અને ઈઝરાયેલમાં 160 લોકો માર્યા ગયા હતા.