
બેંગકોક, નામપેન્હ: ભારતમાં પૌરાણિકકાળથી મંદિર બચાવવા માટે અનેક યુદ્ધો અને સંઘર્ષો થયા છે. પરંતુ આજના સમયમાં ભારતની બહાર પણ મંદિર માટે સંઘર્ષો શરૂ થયા છે. કારણ કે ભારત સિવાય અન્ય દેશોમાં પણ હિંદુ મંદિરો આવેલા છે. તાજેતરમાં એક હિંદુ મંદિર માટે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ છેડાયું છે.
કંબોડિયાએ થાઈલેન્ડ પર કર્યો હુમલો
થાઈલેન્ડ અને કંબોડિયા એકબીજાના પડોશી દેશો છે. બંને દેશોની વચ્ચે ઐતિહાસિક ધરોહર સમાન પ્રીહ વિહાર મંદિર આવેલું છે. જોકે, આ મંદિર કંબોડિયાનો ભાગ છે. જેના પર થાઈલેન્ડ પોતાનો હક્ક બતાવી રહ્યું છે. જેને લઈને બંને દેશો વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે અને હવે યુદ્ધની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, આજે સવારે 7.35 વાગ્યે સૂરીનના ફાનોમ ડોંગ રાક જિલ્લાના તા મુએન થોમ મંદિરના ખંડેરોમાં એક કંબોડિયાનું ડ્રોન આંટા મારતું નજરે પડ્યું હતું. ત્યારબાદ 6 કંબોડિયાના સૈનિકો પ્રોપેલ્ડ ગ્રેનેડ અને અન્ય હથિયારો સાથે થાઈલેન્ડના સૈનિકોના અડ્ડાની સામે કાંટાવાળા તારની હદની નજીક પહોંચી ગયા હતા. સવારે 8.20 વાગ્યે કંબોડિયાના સૈનિકોએ તા મુએન થોમ મંદિરના ખંડેરથી લગભગ 200 મીટર દૂર સ્થિત મૂ પા સૈનિકોના અડ્ડા પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.
આ પણ વાંચો: ગાઝામાં ઇઝરાયલી હુમલો: સહાયની રાહ જોતા 73 પેલેસ્ટિનિયનોના મોત
કંબોડિયાની સેનાએ કર્યો પોતાના અધિકારનો ઉપયોગ
કંબોડિયાની સરકારે આ હુમલાને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટેનું પગલું ગણાવ્યો હતો. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા માલી સોતેકાએ જણાવ્યું હતું કે, “થાઈલેન્ડે કંબોડિયાની પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કર્યું છે. કંબોડિયાના સૈનિકોએ થાઈલેન્ડના સૈનિકોના આક્રમણ વિરૂદ્ધ પોતાની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે જવાબી હુમલાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે.”
કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, “થાઈલેન્ડની સેનાએ ઓદ્દાર મીંચે પ્રાંતના પ્રીહ વિહાર અને તા કબ્રેઈ મંદિરોના કંબોડિયાની સૈન્ય ઠેકાણો પર હુમલો કર્યો છે. કંબોડિયાએ હંમેશા શાંતિપૂર્ણ રીતે મુદ્દોઓનું નિરાકરણ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ આ બાબતે અમારી પાસે આક્રમણ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.”
થાઈલેન્ડે કંબોડિયાના રાજદૂતને હાંકી કાઢ્યો
બુધવારે થાઈલેન્ડ સરકારે કંબોડિયાના રાજદૂતને હાંકી કાઢ્યો હતો અને કંબોડિયાથી પોતાના રાજદૂતને પાછો બોલાવી લીધો હતો. કંબોડિયાએ કરેલા હુમલાને લઈને થાઈલેન્ડે જણાવ્યું કે, “સવારે 9.40 વાગ્યે કંબોડિયાએ સી સા કેટ પ્રાંતમાં ડૉન તુઆન મંદિરના ખંડેરો પર બીએમ-21 રોકેટ લોન્ચર છોડ્યું હતું. સવારે 9.55 વાગ્યે કંબોડિયાની સેનાએ કથિત રીતે સુરીનના કપ ચોએગ જિલ્લાના રહેણાક વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા.”
આ પણ વાંચો: ભારતે પાકિસ્તાનના કિરાણા હિલ્સ પર કર્યો હતો હુમલો, સેટેલાઈટ ફોટોએ કર્યો ખુલાસો
12 વર્ષ બાદ બંને દેશો વચ્ચે વિવાદ કેમ શરૂ થયો?
ઉલ્લેખનીય છે કે, કંબોડિયામાં આવેલું ભગવાન શિવને સમર્પિત પ્રીહ વિહાર મંદિર 11મી સદીમાં નિર્માણ પામ્યું હતું. મંદિરમાં 800 પગથીયા છે. 2008માં યુનેસ્કોએ તેને પોતાની હેરિટેજ સાઈટની યાદીમાં સમાવ્યું હતું. ત્યારબાદ થાઈલેન્ડને લાગ્યું એક ઐતિહાસિક ધરોહર તેની પાસેથી છીનવાઈ ગઈ છે. આ વિવાદને લઈને 2011માં પણ બંને દેશો વચ્ચે સંઘર્ષ થયો હતો. જેમાં પણ સ્થાનિકોએ જીવ ગુમાવ્ય હતો. ત્યારબાદ નવેમ્બર 2013માં આ મુદ્દાને ઇન્ટરનેશનલ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે કંબોડિયાની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ હતી. પરંતુ વર્ષ 2025ના મે મહિનામાં બંને દેશોના સૈન્ય વચ્ચે થયેલા સંઘર્ષમાં એક કંબોડિયાના સૈનિકનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ મંદિરના મુદ્દાને લઈને બંને દેશો વચ્ચે ફરીથી તણાવ શરૂ થઈ ગયો છે.