એશિયાઈ દેશોમાં યુદ્ધના ભણકારાઃ થાઈલેન્ડ-કંબોડિયામાં લશ્કરી કાર્યવાહી વચ્ચે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી...

એશિયાઈ દેશોમાં યુદ્ધના ભણકારાઃ થાઈલેન્ડ-કંબોડિયામાં લશ્કરી કાર્યવાહી વચ્ચે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી…

બેંગકોંકઃ એશિયાના વધુ એક નવા યુદ્ધની શરૂઆત થઈ છે. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સીમા પર ચાલી રહેલો સંઘર્ષ દિવસે દિવસે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે થાઈલેન્ડમાં રહેતા અથવા ત્યાં મુસાફરીનું આયોજન કરતા ભારતીય નાગરિકો માટે આજે મહત્વની ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં નાગરિકોને અમુક વિસ્તારોની મુસાફરી ટાળવા અને થાઈ સરકારના સત્તાવાર સૂત્રો પાસેથી નિયમિત અપડેટ્સ મેળવવાની સલાહ આપવામાં આવી છે. આ સંઘર્ષે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવા તણાવ તરફ ધકેલ્યા છે.

અનેક આકર્ષણોની મુલાકાત નહીં લેવાની ચેતવણી
ભારતીય દૂતાવાસે થાઈલેન્ડના સાત પ્રાંતો ઉબોન રાચથાની, સુરિન, સિસાકેત, બુરીરામ, સા કૈઓ, ચાન્તાબુરી અને ત્રાટની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. દૂતાવાસે તેના X હેન્ડલ પર જણાવ્યું કે થાઈલેન્ડ-કંબોડિયા સીમા નજીકની પરિસ્થિતિને જોતાં ભારતીય મુસાફરોએ થાઈલેન્ડના સત્તાવાર સૂત્રો, જેમ કે TAT ન્યૂઝરૂમ પાસેથી અપડેટ્સ લેવા જોઈએ.” થાઈલેન્ડની ટૂરિઝમ ઓથોરિટી (TAT)એ આ પ્રાંતોમાં આવેલા અનેક આકર્ષણોની મુલાકાત નહીં લેવાની ચેતવણી આપી છે, કારણ કે આ વિસ્તારોમાં હિંસક ઘટનાઓ નોંધાઈ છે.

20 સ્થળ પર પ્રતિબંધ અને હેલ્પલાઈન
થાઈલેન્ડની ટૂરિઝમ ઓથોરિટીએ 20 સ્થળોની યાદી જાહેર કરી છે, જ્યાં મુસાફરીને અસુરક્ષિત ગણવામાં આવી છે, જેમાં ઉપરોક્ત સાત પ્રાંતોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા માટે TATએ હેલ્પલાઈન નંબર 1672 જાહેર કર્યો છે, જ્યાંથી મુસાફરો જરૂરી માહિતી મેળવી શકે છે. ભારતીય દૂતાવાસે પણ મુસાફરોને સ્થાનિક TAT કચેરીઓનો સંપર્ક કરવાની સલાહ આપી છે, જેથી તેઓ નવીનતમ સ્થિતિની જાણકારી મેળવી શકે.

ત્રણ દેશની મધ્યસ્થીના પ્રસ્તાવને થાઈલેન્ડે નકાર્યો
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે નવા ફૂંટેલા યુદ્ધને ડામવા માટે થાઈલેન્ડના ત્રણ મિત્રો દેશો પહેલ પણ કરી હતી. અમેરિકા, ચીન અને મલેશિયાએ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે શાંતિ સ્થાપવા માટે મધ્યસ્થીની ઓફર કરી હતી, પરંતુ થાઈલેન્ડે આ ઓફરે નકારી કાઢી.

થાઈ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મામલો બે દેશો વચ્ચેનો છે અને તેનો ઉકેલ દ્વિપક્ષીય રીતે જ શક્ય છે. તેમણે ઉમેર્યું કે કંબોડિયાએ પહેલા સીમા પર હિંસા બંધ કરવી જોઈએ, ત્યારબાદ જ રચનાત્મક વાતચીત શક્ય બનશે. આ સંઘર્ષનું મૂળ કારણ દાયકાઓ જૂનો સીમા વિવાદ છે, જેમાં પ્રાસાત તા મુએન થોમ અને પ્રીહ વિહાર જેવા મંદિરોની માલિકીનો મુદ્દો સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, 24 જુલાઈએ થાઈલેન્ડ-કંબોડિયા સીમા પર હિંસક સંઘર્ષ શરૂ થયો હતો, જેમાં અત્યાર સુધીમાં લગભગ 16 લોકોનાં મોત થયા છે, જેમાં એક સૈનિક અને કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સંઘર્ષમાં 15 સૈનિકો અને 30 નાગરિકો પણ ઘાયલ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. હજારો લોકો પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળો તરફ સ્થળાંતર કરી રહ્યા છે.

થાઈલેન્ડના કાર્યકારી વડા પ્રધાન ફુમથામ વેચયાચાઈએ ચેતવણી આપી કે આ પરિસ્થિતિ નિયંત્રણની બહાર જઈ શકે છે અને પૂર્ણ યુદ્ધમાં પરિવર્તિત થઈ શકે છે. થાઈ સેનાએ કંબોડિયન સૈનિકો પર રોકેટ હુમલાનો આરોપ લગાવ્યો, જેના જવાબમાં થાઈ F-16 ફાઈટર જેટ્સે હવાઈ હુમલા કર્યા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button