
બેંગકોક: દક્ષિણ પૂર્વ એશિયાના દેશો થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ બબાતે દાયકાઓથી ચાલતો વિવાદ સશસ્ત્ર સંઘર્ષમાં ફેરવાયો (Thailand-Cambodia armed conflict) છે. બંને દેશોની સેનાએ એક બીજાના પ્રદેશ પર હુમલા કર્યા હતાં, અહેવાલ મુજબ બંને પક્ષો 28 લોકોના મોત થયા છે અને 1.5 લાખથી વધુ લોકોને વિસ્થાપિત થયા છે. આ સંઘર્ષ અટકવવા કમ્બોડિયાએ બિન શરતી યુદ્ધવિરામ માટે થાઈલેન્ડને અપીલ કરી છે, જોકે થાઈલેન્ડે યુદ્ધવિરામ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
કંબોડિયન રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા માલી સોચેતાએ શનિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સાત વધુ નાગરિકો અને પાંચ સૈનિકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ગુરુવારે થઈલેન્ડે છોડેલા રોકેટ બૌદ્ધ પેગોડા પર પડ્યા હતાં જેમાં એક કંબોડિયન વ્યક્તિનું મૃત્યુ થયું હતું. 50 કંબોડિયન નાગરિકો અને 20 થી વધુ સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે.
બીજી તરફ થાઈલેન્ડમાં પણ બાળકો સહીત 13 નાગરિકો અને છ સૈનિકોના મોત થયા છે. કંબોડિયાના હુમલામાં થાઈલેન્ડના 26 સૈનિકો અને 30 નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલ મુજબ કંબોડિયાના ઉત્તરીય સરહદીય વિસ્તારમાંથી અત્યાર સુધીમાં લગભગ 20,000 નાગરીકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, જ્યારે થાઇલેન્ડના સરહદી વિસ્તારોમાંથી પણ 1,38,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
અચાનક વિવાદ કેમ ભડક્યો?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે દાયકાઓથી આ સરહદ વિવાદ ચાલી રહ્યો છે. ગુરુવારે સરહદ પર લેન્ડમાઈન વિસ્ફોટમાં પાંચ થાઈલેન્ડ સૈનિકો ઘાયલ થતા વિવાદ અચાનક વકરી ગયો હતો, બંને દેશોએ એક બીજા પર હુમલા કર્યા હતાં અને એક બીજા પર સંઘર્ષ શરુ કરવાના આરોપ લગાવ્યા હતાં. થાઇલેન્ડે જણાવ્યું હતું કે કંબોડિયન સેનાએ નાગરિક વિસ્તાર પર રોકેટ વડે હુમલો કર્યો હતો, ત્યારબાદ થાઇલેન્ડની સેનાએ F-16 ફાઇટર જેટ મોકલીને કંબોડિયામાં પર બોમ્બમારો કર્યો હતો.
UNSCની બેઠક અને મધ્યસ્થીનો પ્રસ્તાવ:
બંને દેશો વચ્ચે વકરી રહેલા સીમા વિવાદને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ ઈમરજન્સી બેઠક કરી હતી, પરંતુ બેઠક પછી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
અહેવાલ મુજબ UNSCની બેઠકમાં કંબોડિયાએ તાત્કાલિક બિનશરતી યુદ્ધવિરામની અપીલ કરી હતી. કંબોડિયાના રાજદૂત ચિઆ કિયોએ કહ્યું છે કે કંબોડિયા બિનશરતી યુદ્ધવિરામ ઇચ્છે છે. કંબોડિયાએ પહેલા હુમલો કર્યો હોવાના થાઈલેન્ડના દાવા ફગાવતા ચિયાએ કહ્યું કે, “કંબોડિયા જેવો નાનો દેશ થાઈલેન્ડ જેવી લશ્કરી શક્તિ પર પહેલા હુમલો કેવી રીતે કરી શકે?”
નોંધનીય છે કે બંને દેશો ચીનના મિત્ર દેશો છે, ચીન બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે પ્રસ્તાવ રજુ કરી ચુક્યો છે. આ ઉપરાંત અમેરિકા અને મલેશિયાએ પણ સરહદ વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
બીજીતરફ થાઇલેન્ડે આ વિવાદના ઉકેલ માટે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી અંગે અસહમતી જાહેર કરી છે. થાઈલેન્ડે દ્વિપક્ષીય વાટાઘાટો પર ભાર મુક્યો છે. થાઇલેન્ડના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નિકોર્ન્ડજ બાલનકુરાએ કહ્યું, “મને નથી લાગતું કે હાલમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થીની જરૂર છે.”