ટેસ્લાનો ચીન પર નિર્ભરતા ઘટાડવા મોટો નિર્ણય: LG સાથે ₹35,000 કરોડનો બેટરી સોદો

નવી દિલ્હી: અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ દક્ષિણ કોરિયાની LG એનર્જી સોલ્યુશન (LGES) સાથે લગભગ ₹35,000 કરોડનો મેગા બેટરી સોદો કર્યો છે. આ ડીલનો મુખ્ય ઉદ્દેશ્ય બેટરી જેવા આવશ્યક ઘટકો માટે ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો છે. આ કરારથી કોને કેવી રીતે ફાયદો થશે? આવો જાણીએ. ટેસ્લાની સપ્લાય ચેઈન વ્યૂહરચનામાં એક મોટો ફેરફાર સૂચવે છે, જે ટેકનોલોજી અને ઉર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું છે.
ટેસ્લાને મળશે કરથી રાહત
ટેસ્લાનો આ સોદો EV ઉદ્યોગમાં એક મોટો ફેરફાર લાવી શકે છે. LG એનર્જી સોલ્યુશન અમેરિકાના મિશિગન પ્લાન્ટમાંથી ટેસ્લાને LFP (લિથિયમ આયર્ન ફોસ્ફેટ) બેટરી સપ્લાય કરશે. ખાસ વાત એ છે કે, ટેસ્લા આ બેટરીનો ઉપયોગ તેની ઇલેક્ટ્રિક કારમાં નહીં, પરંતુ તેની એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સમાં કરશે. અગાઉ, ટેસ્લા આ બેટરીઓ ચીનથી આયાત કરતું હતું. અમેરિકાથી મળતા આ સપ્લાયને કારણે, ટેસ્લાને કર બચતમાં મદદ મળશે અને સપ્લાય પણ વધુ સુરક્ષિત બનશે. આ પગલું ટેસ્લાની સપ્લાય ચેઇનને વધુ સુરક્ષિત અને રાજકીય રીતે સ્થિર બનાવશે. કારણ કે બેટરીઓ હવે અમેરિકામાં બનાવવામાં આવશે, તેના પર ટેરિફ ટેક્સ લાગશે નહીં અને કિંમત પણ ઓછી હશે.
LFP બેટરીના ફાયદા
LFP બેટરી તેમની ઓછી કિંમત, લાંબી આયુષ્ય અને ઓવરહિટિંગ અથવા આગ જેવા જોખમો સામે સુરક્ષા માટે જાણીતી છે. આ બેટરીઓ મુખ્યત્વે ગ્રીડ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સમાં વપરાય છે. ટેસ્લા તેનો ઉપયોગ ઘરો અને ઔદ્યોગિક જરૂરિયાતો માટે પાવરવોલ અને મેગાપેક જેવા બેકઅપ પાવર સોલ્યુશન્સમાં કરે છે. ટેસ્લાની આ નવી વ્યૂહરચના અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધના પરિણામ સ્વરૂપે સામે આવી છે. અમેરિકાએ ચીનથી આવતા બેટરી ઘટકો પર ભારે કર લાદ્યો છે, જેના કારણે આયાત મોંઘી બની છે. આના પરિણામે, ટેસ્લા હવે ચીનને બદલે અન્ય દેશોમાંથી પુરવઠો મેળવવા તરફ આગળ વધી રહી છે.
ચીન સાથે વેપાર ઘટાડવાનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, LGES સાથેના બેટરી ડીલ ઉપરાંત, ટેસ્લાએ તાજેતરમાં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ સાથે $16.5 બિલિયન (₹1.38 લાખ કરોડ) ની ચિપ ડીલ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ દર્શાવે છે કે ટેસ્લા હવે તેના સપ્લાયર્સને ચીનથી યુએસ અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં ખસેડી રહી છે, જેથી તેની સપ્લાય ચેઇન વધુ સુરક્ષિત અને સ્થિર રહે.
આપણ વાંચો : રશિયાનો ભયાનક ભૂકંપ: હિરોશિમાના 14,300 પરમાણુ બોમ્બ જેટલો શક્તિશાળી કેમ?