પાકિસ્તાનમાં આતંકી હુમલાઃ 12 આતંકવાદી ઠાર અને છ પોલીસના જવાનનાં મોત
ક્વેટાઃ પાકિસ્તાનમાં ફરી એક વખત સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો, જેમાં અલગ અલગ બનાવમાં મોટી જાનહાનિ થઈ હતી. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં છેલ્લા બે દિવસમાં અલગ-અલગ આતંકવાદી હુમલા અને સુરક્ષા કાર્યવાહીમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત છ સુરક્ષાકર્મીઓના મોત અને ૧૨ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન સશસ્ત્ર દળોની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ(આઇએસપીઆર)એ જણાવ્યું હતું કે બલૂચિસ્તાન પ્રાંતમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. ખૈબર પખ્તુનખ્વામાં ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના કુલાચી તહસીલન કોટ સુલતાન વિસ્તારમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.
આ પણ વાંચો : બોલો, ફ્લાઈટમાં સ્મોકિંગ કર્યા પછી વિદેશી પ્રવાસીએ કર્યું આ કરતૂત, થઈ ઘરપકડ
અધિકારીઓએ જણાવ્યું કે ખૈબર પખ્તુનખ્વાના લક્કી મારવતમાં શુક્રવારે રાત્રે બે અલગ-અલગ ઘટનાઓમાં હથિયારધારી બદમાશો દ્વારા એક ડીએસપી અને બે પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. તે જ રાત્રે બીજા હુમલામાં કોન્સ્ટેબલ સનમત ખાનનું મોત થયું હતું. સારા દરગા વિસ્તારમાં તેમના ઘર પાસે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.
ધ ડોનના અહેવાલ અનુસાર બાજૌર જિલ્લાના મામુંદ તાલુકામાં શનિવારે રિમોટ-કંટ્રોલ ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. ગઈકાલે રાત્રે ટાંક જિલ્લામાં મિયાં લાલ પોલીસ ચોકી નજીક અજાણ્યા લોકોએ કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટના હેડ કોન્સ્ટેબલની હત્યા કરી હતી. વડાપ્રધાન શહેબાઝ શરીફે લક્કી મારવતમાં પોલીસકર્મીઓ પર હુમલાની આકરી નિંદા કરી હતી.
પાકિસ્તાની સુરક્ષા દળો પરના આતંકવાદી હુમલાઓમાં થયેલા વધારામાં મોટાભાગના હુમલા પાકિસ્તાની તાલિબાન દ્વારા કરવામાં આવ્યા છે. જેણે ઇસ્લામાબાદ અને અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા કર્યો છે.