ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં હિંસક આતંકવાદી હુમલોઃ અંધાધૂંધ ફાયરિંગ 50નાં મોત, 25 ઘાયલ…

ઇસ્લામાબાદ: પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આતંકી હુમલાઓથી થરથરી રહ્યું છે. ત્યારે આજે ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ વિસ્તારમાં એક પેસેન્જર વાન પર બંદૂકથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 50 લોકોના મોતના અહેવાલ છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમના ખૈબર પખ્તુનખ્વામાં શિયા મુસલમાનોને લઈ જતા એક વાહનમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જે આ વર્ષનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે ઘટનાઓ સાંપ્રદાયિક હિંસા સાથે જોડાયેલી છે જેણે છેલ્લા મહિનાઓમાં અનેક લોકોના જીવ લીધા છે. બંને ઘટનાઓમાં 10 જેટલા આતંકીઓ સંડોવાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમણે રસ્તાની બંને બાજુએથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ રોઇટર્સને જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધવાની સંભાવના છે.

સાંપ્રદાયિક અથડામણનો ભાગ

એક વરિષ્ઠ અધિકારી જાવેદ ઉલ્લાહ મહેસુદે જણાવ્યું હતું કે કુર્રમ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા શિયા સમુદાયના બે અલગ-અલગ કાફલાને નિશાન બનાવવામાં આવ્યા છે. પર્વતીય ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમમાં સુન્ની અને શિયા મુસ્લિમો વચ્ચે સામુદાયિક સંઘર્ષ ચાલી રહ્યો છે. ગયા મહિને પણ આ સાંપ્રદાયિક અથડામણમાં ત્રણ મહિલાઓ અને બે બાળકો સહિત 16 લોકો માર્યા ગયા હતા.

રાષ્ટ્રપતિએ કરી નિંદા

હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે ઘાયલોને જિલ્લાની વિવિધ હોસ્પિટલો અને કેટલાકને સારવાર માટે પેશાવર મોકલવામાં આવી રહ્યા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાની આકરી નિંદા કરી છે. એક્સ પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે નિર્દોષ લોકો પર હુમલો કરવાની બાબત એ કાયરતાપૂર્ણ અને અમાનવીય છે. ઘટના માટે જવાબદાર લોકોને સજા મળવી જોઈએ. ઘાયલોને સમયસર તબીબી સહાય પૂરી પાડવી જોઈએ.

પંદર ટકા શિયા મુસ્લિમો

પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોની વસ્તીની સંખ્યા પંદર ટકા છે, જ્યારે સુન્ની મુસ્લિમો બહુમતી છે. બંને સમુદાયોની વચ્ચે હંમેશાં વિવાદ થતો રહે છે, પરંતુ કુર્રમ જેવા અમુક વિસ્તારોમાં શિયાઓ અને સુન્નીઓની વચ્ચે દાયકાઓથી તનાવ રહે છે. જુલાઈમાં કુર્રમમાં શિયા અને સુન્ની સમુદાયોની વચ્ચેની હિંસામાં લગભગ પચાસ લોકો માર્યાં ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button