દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 6.1ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ; જાણો સુનામી અંગે શું કહ્યું એજન્સીએ

સેન્ટિયાગો: દક્ષિણ અમેરિકન દેશ ચિલીના ઉત્તરીય વિસ્તારની ધરતી ગુરુવારે (સ્થાનિક સમય મુજબ) ધણધણી ઉઠી હતી. અહેવાલ મુજબ રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા (Earthquake in Chile) હતાં. હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ સાન પેડ્રો ડી અટાકામાથી 104 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતું, જે ચિલીની બોલિવિયા સરહદ નજીક ઉત્તરીય રણની સરહદ પર સ્થિત એક નાનું શહેર છે.
USGSએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરે 12:21 વાગ્યે આવેલા ભૂકંપની ઊંડાઈ 93 કિલોમીટર હતી. ચિલીની નેશનલ ડિઝાસ્ટર એજન્સીએ ભૂકંપને “મધ્યમ તીવ્રતા” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે કોઈપણ સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. એજન્સીએ જણાવ્યું કે સુનામીની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો…Video: ઈલોન મસ્કની Space Xનું વધુ એક લોન્ચ ફેઈલ; રોકેટ હવામાં જ ફાટી પડ્યું; જુઓ વિડીયો
રીંગ ઓફ ફાયર સ્થિત છે ચિલી:
નોંધનીય છે કે ચિલી રીંગ ઓફ ફાયર પર સ્થિત છે. પેસિફિક મહાસાગરની સપાટી નીચે રીંગ ઓફ ફાયર પાસે ટેક્ટોનિક પ્લેટો અથડાય છે, જેના કારણે ભૂકંપ અને સુનામી આવે છે.
ચિલીના લોકોને હજુ પણ 2010 માં આવેલા 8.8 ની તીવ્રતાના ભૂકંપ યાદ છે, જેના કારણે સુનામી આવી હતી. જેના કારણે 526 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ ચિલીના અધિકારીઓએ ઈમરજન્સી સર્વિસમાં સુધારો કર્યો હતો.