ઇન્ટરનેશનલ

મિડલ ઇસ્ટમાં તણાવ વધતા હોર્મુઝની ખાડી બંધ થવાના એંધાણ, તો ભારત પર શું અસર થશે?

તહેરાન: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ છે, અને હવે અમેરિકાની આ યુદ્ધમાં એન્ટ્રીથી વૈશ્વિક ચિંતા વધી છે. અમેરિકાએ ઈરાનની ત્રણ પરમાણુ સાઈટ્સ પર હવાઈ હુમલા કર્યા, જેનાથી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. આ દરમિયાન, ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) બંધ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ખાડી ક્રૂડના બિઝનેસમાટે મહત્વનો રસ્તો ગણાય છે. આ બંધ થવાથી વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે.

અમેરિકાના હુમલાથી તણાવ વધ્યો

અમેરિકાએ ઈરાનની ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન પરમાણુ સાઈટ્સ પર હવાઈ હુમલા કર્યા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આને સૈન્ય શક્તિનું પ્રદર્શન ગણાવ્યું, પરંતુ શાંતિની વાત પણ કરી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ હુમલાને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે ખતરો ગણાવ્યો. ઈરાને અગાઉ હોર્મુઝ બંધ કરવાની ધમકી આપી હતી, અને હવે અમેરિકાના હુમલા બાદ આ આશંકા વધી છે, જે વૈશ્વિક તેલ સપ્લાયને જોખમમાં મૂકી શકે છે.

હોર્મુઝનું મહત્વ

હોર્મુઝની ખાડી વિશ્વના 26% ક્રૂડના વેપારનો મુખ્ય રસ્તો છે. આ 96 માઈલ લાંબો અને 21 માઈલ પહોળો માર્ગ ફારસની ખાડીને ઓમાનની ખાડી અને અરબ સાગર સાથે જોડે છે. ઈરાનનું આ રૂટ પર નિયંત્રણ છે, અને તેના બંધ થવાથી તેલની સપ્લાય ખોરવાઈ શકે. આનાથી અમેરિકા, યુરોપ અને ભારત જેવા દેશોને અસર થઈ શકે. ઈરાની સાંસદ અલી યાઝ્દીખાહે કહ્યું હતું કે અમેરિકા-ઈઝરાયલના હુમલાના જવાબમાં હોર્મુઝ બંધ કરી શકાય.

વૈશ્વિક અને ભારતીય અસર

હોર્મુઝ બંધ થવાથી કાચા તેલના ભાવ આસમાને પહોંચી શકે. હાલ બ્રેન્ટ ક્રૂડ 77 ડોલર અને WTI 75 ડોલર પ્રતિ બેરલ છે, પરંતુ નિષ્ણાતો 120-130 ડોલર સુધીના ભાવની આશંકા વ્યક્ત કરે છે. ભારત, જે 80% કાચું તેલ આયાત કરે છે, જેમાં 40% ખાડી દેશોમાંથી આવે છે, તેને મોટી અસર થશે. તેલના ભાવ વધવાથી પેટ્રોલ-ડીઝલના દરમાં વધારો થશે, જે ટ્રાન્સપોર્ટ ખર્ચ અને જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરીને ફુગાવાનું જોખમ ઊભું કરશે.

આ પણ વાંચો…મિડલ ઈસ્ટ સંકટ: અમેરિકાના ઈરાન પર હુમલા બાદ PM મોદીએ રાષ્ટ્રપતિ પેજેશ્કિવન સાથે વાતચીત કરી, શાંતિની અપીલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button