ઇન્ટરનેશનલ

શોકિંગઃ દક્ષિણ કોરિયામાં શિક્ષકે આઠ વર્ષની વિદ્યાર્થિનીની કરી નાખી હત્યા, જાણો કારણ?

ડેજેઓનઃ બાળક માટે શાળાઓ સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે, પરંતુ દક્ષિણ કોરિયાથી ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. એક પ્રાથમિક શાળાના શિક્ષકે આઠ વર્ષની વિદ્યાર્થીની પર ચાકુ વડે જીવલેણ હુમલાના કિસ્સાથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસે જણાવ્યું હતું કે, ચાલીસીમાં રહેલી એક મહિલા શિક્ષકે ડેજેઓન શહેરમાં વિદ્યાર્થિનીને છરા માર્યાની કબૂલાત કરી હતી. વિદ્યાર્થિની સોમવારે સાંજના છ વાગ્યાના સુમારે શાળાની બિલ્ડિંગના બીજા માળે ઘાયલ અવસ્થામાં મળી આવી હતી અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પછી ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. શિક્ષિકા તેની બાજુમાં છરા સાથે મળી આવી હતી ત્યાર બાદ તેને આત્મસમર્પણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દક્ષિણ કોરિયાના કાર્યકારી પ્રમુખ ચોઈ સાંગ-મોકે મંગળવારે અધિકારીઓને આ કેસની તપાસનો અને આવી ઘટનાઓ ફરી નહીં બને તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા આદેશ આપ્યો હતો. કેટલાક સ્થાનિકોએ મંગળવારે બંધ શાળાના ગેટ પર ફૂલો અને ઢીંગલી મૂકી હતી. દાજેઓન વેસ્ટર્ન પોલીસ સ્ટેશનના વડા, યૂક જોંગ-મ્યુંગે જણાવ્યું હતું કે શિક્ષક હાલમાં હોસ્પિટલમાં છે, તેની ગરદન પર ઘા હતો જેને ટાંકા મારવામાં આવ્યા છે.

આ પણ વાંચો : દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ; 176 મુસાફરો હતા સવાર

ડેજિયોન એજ્યુકેશન ઑફિસે જણાવ્યું હતું કે શિક્ષકાએ સાતમી ડિસેમ્બરે ડિપ્રેશનને કારણે છ મહિનાની રજાની વિનંતી કરી હતી, પરંતુ ડૉક્ટરે તેને કામ કરવા માટે યોગ્ય હોવાનું કહ્યા પછી માત્ર 20 દિવસ પછી તે શાળામાં પરત ફરી હતી. શિક્ષકે પોલીસને આપેલી જુબાની ટાંકીને મિસ્ટર યૂકે જણાવ્યું હતું કે, તેને કામના સમય દરમિયાન આત્મહત્યાના વિચારો આવતા હતા.

હુમલાના એક દિવસ પહેલા શિક્ષકે અન્ય શિક્ષકો સાથે પણ હિંસક વર્તન કર્યું હતું. સહકાર્યકરો પર હુમલા બાદ શિક્ષણ કચેરીએ શિક્ષકને રજા પર મૂકવા અને અન્ય શિક્ષકથી અલગ રાખવાની ભલામણ કરી હતી. તેને વાઇસ પ્રિન્સિપાલના ડેસ્કની બાજુમાં બેસાડવામાં આવી હતી જેથી તેની પર નજર રાખી શકાય.

શિક્ષકે પોલીસને આપેલી જુબાની મુજબ તેણે હુમલાના દિવસે એક હથિયાર ખરીદ્યું હતું અને શાળામાં લાવી હતી. તેણે ઉમેર્યું હતું કે તેણે એક બાળકની હત્યા કરી આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી. દક્ષિણ કોરિયા સામાન્ય રીતે બંદૂક નિયંત્રણ કાયદા ધરાવતો સલામત દેશ છે, પરંતુ તાજેતરના વર્ષોમાં આવી ઘટનાઓમાં વધારો થયો છે.

કાર્યકારી પ્રમુખ ચોઈએ કહ્યું હતું કે, “આ પ્રકારની ઘટનાથી દુઃખ થયું છે. દેશમાં શાળા સૌથી સુરક્ષિત જગ્યા હોવી જોઈએ. હું પીડિતના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે ભારે આઘાત અને વેદના સહન કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button