ઇન્ટરનેશનલ

કોણ છે તારિક રહેમાન? જે 17 વર્ષના વનવાસ બાદ બાંગ્લાદેશમાં ‘કિંગ’ બનીને પરત ફર્યા છે!

ઢાંકા: બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં લોકશાહીનો નવો સૂર્યોદય થયો હોય તેમ જણાય છે. લાંબા સમય બાદ યોજાયેલી આ ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન, ખાસ કરીને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ શાનદાર પ્રદર્શન કરીને બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. આ જીત સાથે જ દિવંગત પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન દેશના આગામી વડાપ્રધાન બને તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે, વડાપ્રધાન પદ અંગેનો આખરી નિર્ણય પક્ષ દ્વારા ટૂંક સમયમાં લેવામાં આવશે.

કોણ છે તારિક રહેમાન?

60 વર્ષીય તારિક રહેમાન હાલમાં બાંગ્લાદેશના વડાપ્રધાન પદ માટેના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ૩૦ ડિસેમ્બરના રોજ લાંબી માંદગી બાદ તેમની માતા અને BNP નેતા ખાલિદા ઝિયાના નિધન પછી તેઓ લંડનથી 25 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફર્યા હતા. વર્ષ 2008થી તેઓ લંડનમાં રહીને વર્ચ્યુઅલ માધ્યમથી પક્ષનું નેતૃત્વ કરી રહ્યા હતા. 1988માં એક સામાન્ય સભ્ય તરીકે પક્ષમાં જોડાયેલા રહેમાને વર્ષો સુધી સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર રહીને પોતાની પકડ મજબૂત કરી છે.

રાજકીય સફર અને પક્ષમાં પ્રભુત્વ

તારિક રહેમાનની રાજકીય કારકિર્દી સંઘર્ષપૂર્ણ રહી છે. તેમણે ઈરશાદ વિરોધી આંદોલન દરમિયાન પોતાની માતા સાથે મળીને રસ્તા પર પ્રદર્શનો કર્યા હતા. 1991ની ચૂંટણી વખતે તેમણે દેશના ખૂણેખૂણે જઈને પ્રચાર કર્યો અને 2002માં તેમને પક્ષના વરિષ્ઠ સંયુક્ત મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. 2018માં જ્યારે ખાલિદા ઝિયા જેલમાં હતા, ત્યારે રહેમાનને પક્ષના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી, જે તેમણે વિદેશમાં રહીને પણ સુપેરે નિભાવી હતી.

ભારત સાથેના સંબંધો

ભારતીય રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે અગાઉ BNP ના શાસનકાળ દરમિયાન ભલે પાકિસ્તાન તરફી વલણ રહ્યું હોય, પરંતુ વર્તમાન સમયમાં ભારત તારિક રહેમાન સાથે મળીને કામ કરવા તૈયાર છે. રહેમાને પોતાના 51 મુદ્દાના મેનિફેસ્ટોમાં પડોશી દેશો સાથે મજબૂત સંબંધો અને સામૂહિક પ્રગતિની વાત કરી છે. આ ઉપરાંત, તેમણે હિન્દુઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓના કલ્યાણ માટે ભંડોળ વધારવાનું વચન પણ આપ્યું છે, જે ભારત માટે એક હકારાત્મક સંકેત હોઈ શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button