શું ટ્રમ્પ અને પુતીનના વાંકે ભારતે દંડાવુ પડશે? આ કારણોસર પેટ્રોલના ભાવ વધવાની શક્યતા…

વોશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનાં તેવર કઈક જુદા જ છે અને તે હવે સીધા મેદાનમાં ઉતરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ટ્રમ્પે ધમકી આપી છે કે રશિયા યુક્રેનમાં જો અશાંતિ નથી રોકી શકતું તો રશિયન ક્રૂડ ઓઇલનાં ગ્રાહક દેશો પર 50 ટકા ટેરિફ વધારી દેવામાં આવશે. તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ રશિયાથી ગુસ્સે છે. જો કે રશિયા અને અમેરિકાની વચ્ચે ભારતની હાલત સૂડી વચ્ચે સોપારી સમાન થઈ શકે છે.
અમેરિકાએ આપી ટેરિફ વધારવાની ધમકી
અમેરિકાએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખો સાથે યુદ્ધવિરામ અંગે બેઠકો કરી હતી પરંતુ તેમ છતાં અમેરિકાએ જ નક્કી કરેલી શરતો રશિયા જાણે ઘોળીને પી ગયું હોય તેમ સમજૂતીને રશિયાએ અમલમાં મૂકી નથી. આથી અંતે તપીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ક્રૂડ ઓઇલના ખરીદદારો પર 25 ટકાથી 50 ટકા સુધીના ટેરિફ લાદવાની ધમકી આપી છે. તેમણે આ વાત એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહી હતી.
આ પણ વાંચો: Americaએ આ કારણે અનેક વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દેશ નિકાલના આદેશ આપ્યા, ભારતીયો પર પણ અસર
ભારતને શું થઈ શકે અસર?
ટ્રમ્પની આ ધમકી ભારત માટે ઘણી મહત્વપૂર્ણ છે. કારણ કે ભારતનાં ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયન ક્રૂડ ઓઇલનો ફાળો 30 ટકાથી વધુ છે. જો ટ્રમ્પ તેના નિવેદન પર અડગ રહીને આ બાબતે કાર્યવાહી કરે છે તો ભારતે મોટા ટેરિફનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં રશિયન ઓઇલની સપ્લાઈ ઘટે છે તો તેની અસર ક્રૂડ ઓઇલની કિંમતો પર જોવા મળશે અને તેની કિંમત 100 ડોલરને પાર જઈ શકે છે. અમેરિકા પહેલાથી જ વેનેઝુએલાના તેલ પર ટેરિફ લાદવાની જાહેરાત કરી ચૂક્યું છે. ઈરાની તેલ પર પહેલાથી જ પ્રતિબંધો છે
રશિયા પાસે કુલ ઉત્પાદનના 11 ટકાનો હિસ્સો
હાલમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $73 ને વટાવી ગયા છે. નિષ્ણાતો માને છે કે જો ટ્રમ્પ તેમની ધમકીને ખરેખર લાગુ કરે છે, તો ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર આસમાને પહોંચશે. અમેરિકન એજન્સી IEAના આંકડાઓ અનુસાર, વર્ષ 2023માં રશિયા દૈનિક 10.75 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરી રહ્યું હતું, જે કુલ ઉત્પાદનના 11 ટકા છે. જો આ 11 ટકા ક્રૂડ ઓઇલ બજારમાં ન આવે તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી શકે.
આ પણ વાંચો:શું ટેસ્લા કાર પર હુમલા બાદ ડીઓજી વડાનું પદ છોડશે Elon Musk ? આપ્યા આ સંકેત
ભારતની ચિંતા વધી શકે છે
રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પની ધમકી ભારત માટે ચિંતા કરવા જેવો મુદ્દો છે. કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી ટ્રમ્પને રાજી કરવાના પ્રયાસનું વલણ અપનાવ્યું છે, જેમાં ખરીદીને વેગ આપવા માટે અમેરિકન એલએનજી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી દૂર કરવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. પરંતુ જ્યારે અમેરિકા અને યુરોપીયન યુનિયન દ્વારા અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા અને વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા હતા તેવા ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું અને તે હજુ પણ યથાવત છે. ખાસ વાત એ છે કે રશિયા હવે ભારતને ક્રૂડ ઓઇલનો સૌથી મોટો સપ્લાયર છે.
ટ્રમ્પની ધમકીને ગંભીરતાથી લેવી જોઈએ?
સાથે જ એ પણ નોંધવુ ઘટે કે ટ્રમ્પનું આ વલણ પુતિન સાથેના તેમના સંબંધોથી તદ્દન જુદું છે, જે આખી દુનિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનુભવ્યું છે. સૌથી મોટો પ્રશ્ન એ ઉદભવે છે કે શું ટ્રમ્પની ધમકીને ગંભીરતાથી લેવી જોઈએ? શું તે હકીકત બને તેવી કોઈ શક્યતા છે? નિષ્ણાતોના મતે, અત્યાર સુધીમાં ટ્રમ્પે ટેરિફ અંગે લેવામાં આવેલા મોટાભાગના નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા છે. આવી સ્થિતિમાં, આ ધમકીને અવગણવી શકાય તેમ પણ નથી.