ટેરિફ મામલે રોકાયેલી વાતચીત આગળ વધી રહી છેઃ રાહતના સંકેત

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદદિવસ નિમિત્તે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુભેચ્છા પાઠવી ફરી મિત્રતાનો માહોલ ઊભો કરી દીધો છે ત્યારે હવે ભારત અને અમેરિકી સરકાર વચ્ચે પણ સંવાદ સાધવામાં આવી રહ્યો હોવાનું કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ આ મામલે મોટી અપડેટ આપી છે. તેમણે જણાવ્યું છે કે ટ્રેડ ડીલ અને ટેરિફ મામલે બન્ને દેશોના પ્રતિનિધિઓ વાતચીત કરી રહ્યા છે. માત્ર અમેરિકા નહીં, પાકિસ્તાન અને સઉદી અરબ સાથે પણ ટ્રેડ રિલેટેડ વિષયો વિશે વાતચીત ચાલુ હોવાનું જયસ્વાલે જણાવ્યું છે.
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેના કરાર અંગે પણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત અને સાઉદી અરેબિયા એક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે, જે તાજેતરના વર્ષોમાં વધુ ગાઢ બની છે.
અગાઉ, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વેપાર વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ અને મધ્ય એશિયા માટે સહાયક યુએસ વેપાર પ્રતિનિધિ, બ્રેન્ડન લિંચ, 16 સપ્ટેમ્બરના રોજ ભારતીય સત્તાવાર પ્રતિનિધિમંડળ સાથે એક દિવસની બેઠક માટે નવી દિલ્હીમાં હતા.
અગાઉ પણ બન્ને દેશો વચ્ચે ટેરિફ મામલે વહેલીતકે સમજૂતી થશે તેમ વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ નાખી દેતા બન્ને દેશોના સંબંધો વણસ્યા હતા અને એક સમયે સંવાદ બંધ થઈ ગયો હતો. હવે બન્ને દેશના પ્રતિનિધિઓ ફરી વાતચીત કરવા માટે તૈયાર થઈ ગયા છે ત્યારે ભારત અને અમેરિકા બન્નેની ટ્રેડર્સ કોમ્યુનિટી આશા રાખીને બેઠી છે કે બન્ને દેશો કોઈ સાકારાત્મક નિરાકરણ સુધી પહોંચે.
આ પણ વાંચો…અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફમાં રાહતની આશા, પારસ્પરિક ટેરિફ પણ ઘટશે