ઇન્ટરનેશનલ

તાલિબાને બદલી અફઘાનિસ્તાનની કિસ્મત

2 વર્ષમાં કરન્સી ટોચ પર પહોંચી ગ‌ઈ

કાબુલ: પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને લગભગ 2 વર્ષ થઈ ગયા છે. તાલિબાન સરકારે અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા માટે ઘણા કાર્યો કર્યા છે. પરિણામ એ આવ્યું કે વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક હોવા છતાં અહીંનું સ્થાનિક ચલણ હવે વિશ્વની ટોચની કરન્સી બની ગઈ છે. અફઘાનિસ્તાનની સ્થાનિક ચલણને અફઘાની કહેવામાં આવે છે.

વૈશ્વિક ડેટા એનાલિસિસ અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અફઘાનીના મૂલ્યમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. આ કારણોસર, તે હવે વિશ્વનું ટોચનું પ્રદર્શન કરતું ચલણ છે.

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અફઘાન ચલણના મૂલ્યમાં 9 ટકાનો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ સ્થાનિક અર્થતંત્ર પર તાલિબાન સરકારનું ધ્યાન છે. આ ઉપરાંત એશિયાના પડોશી દેશો સાથે પણ તેણે વેપાર વધાર્યો છે. તાલિબાન સરકારે અર્થવ્યવસ્થાને લઈને એવા ઘણા નીતિગત નિર્ણયો લીધા છે, જેના કારણે તેની કરન્સીની કિંમત વધી છે.

અગાઉ અફઘાનિસ્તાનમાં સ્થાનિક લેવડ-દેવડ માટે પાકિસ્તાની રૂપિયો અથવા અમેરિકન ડોલરનો ઉપયોગ થતો હતો. તાલિબાન સરકારે આના પર કડક નિયંત્રણો લાદી દીધા છે. હવે દેશની અંદર ટ્રાન્ઝેક્શન સ્થાનિક ચલણ અફઘાનીમાં જ થઈ શકે છે. તાલિબાન સરકારે હવે ઓનલાઈન કરન્સી ટ્રેડિંગને અપરાધ તરીકે વર્ગીકૃત કર્યું છે. આ કામમાં સામેલ લોકોને જેલની સજા થઈ રહી છે. આનાથી અફઘાનિસ્તાનને તેના વિદેશી મુદ્રા ભંડારને બચાવવામાં મદદ મળી છે.

અફઘાનિસ્તાનનું ચલણ જબરદસ્ત રીતે વધી રહ્યું હોવા છતાં વૈશ્વિક સ્તરે તે હજુ પણ ગરીબ દેશ છે. આટલું જ નહીં, અહીં માનવ અધિકારોનુ ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે. તેમ છતાં, છેલ્લા એક વર્ષમાં અફઘાનીના મૂલ્યમાં 14 ટકાનો વધારો થયો છે. વાર્ષિક આંકડાઓની તુલનામાં, તે વિશ્વમાં ત્રીજું શ્રેષ્ઠ પ્રદર્શન કરતું ચલણ છે. માત્ર કોલંબિયા અને શ્રીલંકાનું ચલણ અફઘાનિસ્તાનથી આગળ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button