સુઝુકી મોટર કંપનીનો ઝટકોઃ 91 વર્ષના પૂર્વ ચેરમેનનું નિધન
નવી દિલ્હીઃ સુઝુકી મોટર કોર્પોરેશનના પૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. ઓસામુ સુઝુકીએ 2021માં 91 વર્ષની વયે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમની કારકિર્દી દરમિયાન તેમણે 40 વર્ષથી વધુ સમય સુધી સુઝુકી મોટર કોર્પોરેશનનું નેતૃત્વ કર્યું હતું અને કંપનીને વિશ્વભરમાં એક અગ્રણી નામ બનાવ્યું હતું. સુઝુકી મોટર કોર્પોરેશનના પૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું નિધન 25 ડિસેમ્બરે થયું હતું, પરંતુ કંપનીએ તેમના નિધનની સૂચના આજે આપી હતી. ઓસામુ સુઝુકીની લીડરશીપમાં કંપનીએ ગ્લોબલ માર્કેટમાં તેનો વ્યાપ વિસ્તાર્યો હતો. સુઝુકી મોટર કોર્પોરેશન કંપની મિની કાર્સ અને મોટર સાયકલો માટે જાણીતી છે.
ઓસામુ સુઝુકીની જીવનયાત્રા જાપાનના એક સામાન્ય પરિવારમાંથી શરૂ થઇ હતી. તેમનો જન્મ 1930ના 30 જાન્યુઆરીના રોજ જાપાનના ગેરો-ગીફુ પ્રીફેક્ચરમાં થયો હતો. શિક્ષણની ડિગ્રીઓ પ્રાપ્ત કરવા માટે ફી ભરવા માટે તેમણે સ્કૂલ શિક્ષક, નાઇટ ગાર્ડ બની જાત મહેનતે કમાણી કરી હતી. તેમણે થોડા સમય માટે બેંકમાં પણ નોકરી કરી હતી અને ત્યાર બાદ તેઓ સુઝુકી પરિવારના વ્યવસાયમાં જોડાયા હતા. તેઓ 1958માં સુઝુકી મોટર કોર્પોરેશનમાં જોડાયા હતા. તેઓ સૌથી લાંબા સમય સુધી આ વૈશ્વિક ઓટોમેકરના હેડ તરીકે રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ કંપનીએ મહત્વપૂર્ણ એક્સપાન્શન કર્યા હતા. તેમની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક ભારતમાં મારુતિ 800નું લોન્ચિંગ હતું, જે ભારતીય મધ્યમ વર્ગના પરિવારો માટે સસ્તી અને વિશ્વસનીય કાર હતી. મારુતિ 800, 1983માં લૉન્ચ થઈ હતી. આ કારના લૉન્ચિંગ બાદ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગમાં ક્રાંતિ આવી હતી. તે સમયે મારુતિ 800ની કિંમત 47,500 રૂપિયા હતી, જે મધ્યમ વર્ગ માટે ખૂબ જ પરવડે તેવી હતી.
Also read: ઓટોમોબાઈલ સેક્ટરને દિવાળીઃ એક મહિનામાં પાંચ લાખથી વધુ કાર વેચાઈ…
ઓસામુ સુઝુકી વ્યક્તિગત રીતે આ પ્રોજેક્ટમાં સામેલ હતા અને તેમણે આ પ્રોજેક્ટની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે સુઝુકીને માત્ર જાપાનમાં જ કે ભારતમાં જ નહીં, પણ વૈશ્વિક સ્તરે સફળતા અપાવી હતી. તેમના નેતૃત્વમાં સુઝુકીએ વિવિધ દેશોમાં તેની હાજરી મજબૂત બનાવી હતી અને મારુતિ સુઝુકી નામથી ભારતમાં પોતાને એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી હતી. તેમનું યોગદાન માત્ર સુઝુકી મોટર કોર્પોરેશન માટે જ નહીં, પણ તમામ ઑટોમોબાઇલ ઉદ્યોગને પ્રેરણા આપતું રહેશે.