પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 23 લોકોના મોત, કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાન આર્મી બેઝ પર થયેલા આત્મઘાતી હુમલામાં 23 લોકોના મોત થયા હતા. આ હુમલો ડેરા ઈસ્માઈલ ખાનના એક લશ્કરી ઈમારતમાં થયો હતો. એક રિપોર્ટ અનુસાર વિસ્ફોટને કારણે ત્રણ રૂમ ધરાશાયી થઈ ગયા છે અને ઈમારતોના કાટમાળમાંથી મૃતદેહોને કાઢવાના આવ્યા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે કારણ કે કારણ કે કેટલાક ઘાયલ અધિકારીઓની હાલત ગંભીર છે.
નામ જાહેર ન કરવાની શરતે બોલતા એક સ્થાનિક અધિકારીના જણાવ્યા અનુસાર, વહેલી સવારના આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અફઘાન સરહદ નજીક આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલો થયો ત્યારે લોકો ઉંઘતા હતા. એ સમયે વિસ્ફોટકોથી ભરેલા આત્મઘાતી વાહને લશ્કરી ઇમારતમાં વિસ્ફોટ કર્યો હતો.
તહરીક-એ-જેહાદ પાકિસ્તાન એ તહરીક-એ-તાલિબાને સાથે સંકળાયેલું નવું જૂથ છે. તેણે આ હુમલાની જવાબદારી લીધી છે. આ આતંકી સંગઠન અફઘાનિસ્તાનની તર્જ પર પાકિસ્તાનમાં સરકાર બનાવવા માંગે છે. આ કારણે તે સતત સરકારી વિભાગો અને અધિકારીઓને નિશાન બનાવી રહી છે.
પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર ફિદાયીન એક વાહનમાં લશ્કરી ઇમારતના ગેટમાં પ્રવેશ્યો હતો. ગેટ પર પહોંચતા જ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં ખૈબર પખ્તુનખ્વામાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 101 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ખૈબર પખ્તુનખ્વાનો વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદે છે.