ઇન્ટરનેશનલ

સુદાનમાં RSFએ કર્યો ભયાનક ડ્રોન હુમલો, 8 બાળકો સહિત 24ના મોત

રાહદ, સુદાનઃ સુદાનમાં ચાલી રહેલા આંતરિક યુદ્ધમાં વધુ એક દુર્ઘટના પ્રકાશમાં આવી છે. રેપિડ સપોર્ટ ફોર્સે (RSF)એ મધ્ય સુદાનમાં વિસ્થાપિત પરિવારોને લઈ જતા વાહન પર ડ્રોન હુમલો કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ હુમલામાં આઠ બાળકો સહિત 24 લોકો માર્યા ગયા છે. આ હુમલો નોર્થ કોર્ડોફાન પ્રાંતના રહાદ શહેરની નજીક શનિવારે થયો છે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ હુમલો ઉત્તર કોર્ડોફાન પ્રાંતના રાહદ શહેર નજીક થયો છે. દેશમાં ચાલી રહેલા યુદ્ધ પર નજર રાખતા સુદાન ડોક્ટર્સ નેટવર્ક દ્વારા આ હુમલા અને મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ડોક્ટર્સ ગ્રુપે આપેલા એક નિવેદન પ્રમાણે, વાહન ઉત્તર કોર્ડોફાનના દુબેકર વિસ્તારમાં લડાઈથી ભાગી રહેલા વિસ્થાપિત લોકોને લઈ જઈ રહ્યું હતું. માર્યા ગયેલા લોકોમાં બે શિશુઓ પણ છે.

RSF નેતૃત્વને સીધી રીતે જવાબદાર ઠેરવવા માંગ

આ સાથે ડોક્ટર્સ ગ્રુપે આંતરરાષ્ટ્રીય સમુદાય અને માનવાધિકાર સંગઠનોને અપીલ કરી છે કે ‘નાગરિકોના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને આ ઉલ્લંઘનો માટે RSF નેતૃત્વને સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવે’. જો કે, આ હુમલા અંગે RSF તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પરંતુ મુદ્દો એ છે કે, લગભગ ત્રણ વર્ષથી સુદાનની સેના સામે દેશના નિયંત્રણ માટે લડી રહ્યું છે. જેના કારણે આ સ્થિતિ નિર્માણ પામી છે.

નુકસાન અંગે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યાં

આ જૂથ સુદાની સેના સામે ત્રણ વર્ષથી દેશના નિયંત્રણ માટે લડી રહ્યું છે. એપ્રિલ 2023માં ખાર્તૂમમાં સેના અને RSF વચ્ચેની સત્તા સંઘર્ષ યુદ્ધમાં ફેરવાઈ ગઈ, જેનાથી દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે અને લાખો વિસ્થાપિત થયા છે. આ સ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. યૂએનના આંકડા પ્રમાણે આ વિનાશક યુદ્ધમાં 40,000 થી વધુ લોકો માર્યા ગયા છે, પરંતુ સહાય જૂથો કહે છે કે આ સંખ્યા ઓછી આંકવામાં આવી છે અને વાસ્તવિક મૃત્યુઆંક અનેક ગણો વધારે હોઈ શકે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button