”હજુ પણ તે એક તાનાશાહ..” જો બાઇડન-શી જિનપિંગની મુલાકાત બાદ પણ ‘કોલ્ડવોર’ યથાવત?
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે લગભગ ચાર કલાક સુધી બેઠક ચાલી. મુલાકાત દરમિયાન બંને એકદમ સકારાત્મક રીતે અલગ અલગ મુદ્દાઓ પર વાતચીત કરતા જોવા મળ્યા હતા, જો કે મુલાકાત પૂર્ણ થયા બાદના થોડા સમય બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનનું એક નવું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને ‘તાનાશાહ’ ગણાવ્યા.
બાઇડન અને જિનપિંગ બંનેએ સાનફ્રાન્સિસ્કોના એસ્ટેટમાં ચાર કલાક એકબીજા સાથે વિતાવ્યા. તેમણે બગીચામાં સહેલ કરી, સાથે બપોરનું ભોજન લીધું. અમેરિકા અને ચીન બંને દેશોના સંબંધોમાં નરમાશ આવે તેવી પણ પહેલ કરી. બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ જો બાઇડને નિવેદન આપ્યું કે જો કોઇને કોઇ પ્રકારની સમસ્યા હોય તો વાતચીત વડે તેનો ઉકેલ લાવવો જોઇએ. આમ આવી અનેક પ્રકારની વાતો કરીને અંતમાં બાઇડને જિનપિંગને ‘તાનાશાહ’ ગણાવી દીધા. અને પછી શબ્દો સંભાળતા કહ્યું કે ‘તેઓ એક સામ્યવાદી દેશ ચલાવે છે. એટલે એ બાબતે તેઓ તાનાશાહ છે. ચીનની સરકાર આપણી સરકારથી બિલકુલ અલગ છે.’
આ પહેલા જિનપિંગનું સ્વાગત કરતા બાઇડને કહ્યું હતું કે, ‘જિનપિંગ અને હું એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ. અમેરિકામાં ચીનના રાષ્ટ્રપ્રમુખની યજમાની કરવી એ ખૂબ જ સન્માન અને આનંદની વાત છે. હું અમારા વાર્તાલાપને મહત્ત્વ આપું છું કારણ કે મને લાગે છે કે તમે અને હું કોઈપણ ગેરસમજ વિના એકબીજાને સ્પષ્ટપણે સમજીએ છીએ તે સર્વોપરિ છે. બાઇડને વધુમાં કહ્યું હતું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે સ્પર્ધા સંઘર્ષમાં ન બદલાય. તેમણે કહ્યું કે અમેરિકા અને ચીને તેમના લોકોને ધ્યાનમાં રાખીને સાથે મળીને કામ કરવું જોઈએ, જેમાં ક્લાઈમેટ ચેન્જ, ડ્રગ્સની તસ્કરી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા મુદ્દાઓ સામેલ છે.