અમેરિકા સાથે સંબંધ બગડ્યા બાદ ઝેલેન્સકીને મળ્યો આ શક્તિશાળી દેશનો ટેકો; વડાપ્રધાને ગળે લગાવ્યા

લંડન: છેલ્લા ત્રણ વર્ષથી રશિયાના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) હાલમાં યુનાઈટેડ સ્ટેટ્સના પ્રવાસે હતાં, વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર બોલચાલ (Trump and Zelenskyy Clash) થઇ હતી, જેની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. લાંબા સમયથી સાથી રહેલા અમેરિકાનો ટેકો ગુમાવતા યુક્રેનની મુશ્કેલીઓ વધી શકે એમ છે. એવામાં યુક્રેનને બ્રિટન (Britain)માં ટેકો મળ્યો છે.
વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે દલીલો બાદ બીજા જ દિવસે, ઝેલેન્સકી યુરોપિયન દેશોના શિખર સંમેલન (European Union summit)માં ભાગ લેવા લંડન પહોંચ્યા હતાં. અહીં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે (Keir Starme) વોલોડીમીર ઝેલેન્સકીને ગળે લગાવ્યા અને તેમને બ્રિટનના અતૂટ સમર્થનની ખાતરી આપી. હવે ઝેલેન્સકી રવિવારે બ્રિટન રાજા ચાર્લ્સ ત્રીજા (Charles III)ને મળશે.
કીર સ્ટાર્મરે શું કહ્યું?
અમેરિકાથી ઝેલેન્સકી શનિવારે લંડન પહોંચ્યા હતાં, અહીં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર તેમને ગળે લગાવીને અંદર લઈ ગયા. લંડનમાં યુરોપિયન નેતાઓની બેઠકની પૂર્વસંધ્યાએ બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઇ. જો યુનાઇટેડ સ્ટેટ્સ સમર્થનના અભાવમાં યુરોપિયન દેશો યુક્રેન અને પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે છે તેની ચર્ચા કરવામાં આવી હતી. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે ઝેલેન્સકીને કહ્યું કે જેમ તમે બહાર રસ્તા પર નારાઓ સાંભળ્યા છે, તેમ તમને સમગ્ર યુનાઇટેડ કિંગડમ તરફથી સંપૂર્ણ સમર્થન છે. જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી અમે તમારી અને યુક્રેનની સાથે ઊભા રહીશું.
ઝેલેન્સકીએ સ્ટાર્મરનો અને યુકેના લોકોનો તેમના સમર્થન અને મિત્રતા બદલ આભાર માન્યો. બ્રિટનના વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, બેઠક પછી સ્ટાર્મરે શનિવારે સાંજે ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન બંને સાથે વાત કરી હતી. ઝેલેન્સકી યુરોપિયન સમિટ પહેલા રવિવારે સ્ટારમર સાથે મુલાકાત કરવાના હતાં, પરંતુ વોશિંગ્ટનની ઘટના બાદ દ્વિપક્ષીય બેઠકના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો. આજે ઝેલેન્સકી રવિવારે રાજા ચાર્લ્સ ત્રીજાને મળશે.