ફેમસ સ્વર્ગની સીડી ચઢતા વ્યક્તિ સ્વર્ગે સિધાવ્યો

સ્ટંટ કરતા ઘેલા યુવાનોના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. જોકે, આવા સ્ટંટ ક્યારેક ભારે ખતરનાક સાબિત થાય છએ અને સ્ટંટ કરનારને જાનથી હાથ ધોવાનો પણ વારો આવે છે. આવો જ એક સ્ટંટ કરતા એક અંગ્રેજ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર પ્રખ્યાત ‘સ્ટેયરવે ટુ હેવન’ પર ચડનાર વ્યક્તિને તેનો સ્ટંટ ભારી પડી ગયો હતો. ‘સ્ટેયરવે ટુ હેવન’ પર ચડનાર અંગ્રેજ વ્યક્તિ સીધો સ્વર્ગે સીધાવ્યો હતો. ‘સ્ટેયરવે ટુ હેવન’ પર ચડતો અંગ્રેજ વ્યક્તિ લગભગ 300 ફૂટ નીચે પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
‘સ્ટેયરવે ટુ હેવન’નો જાણીતો વિસ્તાર ઑસ્ટ્રીયામાં આવેલો છે. આ એક ઓસ્ટ્રીયન પર્વત છે, જે પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ પર રોજ ફોટા મૂકતા ફોટો પ્રેમીઓમાં આ ઓસ્ટ્રીયન પર્વત પ્રખ્યાત છે. સ્થાનિક લોકો તેને “સ્વર્ગ તરફ જવાની સીડી” પણ કહે છે. આ સીડીઓ સાલ્ઝબર્ગની બહાર ડાચસ્ટીન પર્વતો તરફ દોરી જાય છે.
આ અકસ્માત 12 સપ્ટેમ્બરે થયો હતો. એક 42 વર્ષીય બ્રિટિશ વ્યક્તિ કોઈ પણ ગાઈડ વગર એકલા જ સીડીઓ ચઢવા લાગ્યો હતો. આ દરમિયાન તે સીડી પરથી લપસી ગયો અને 300 ફૂટ નીચે ખીણમાં પડ્યો, જેના કારણે તેનું મોત થયું હતું. દુર્ઘટના બાદ પોલીસ અધિકારીઓ અને બે બચાવ હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ તે વ્યક્તિને બચાવી શકાયો નહોતો. જો કે, બચાવકર્મીઓએ તરત જ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
આ પહેલા પણ ‘સ્ટેયરવે ટુ હેવન’નો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ આ સીડીઓ ચડતો જોઈ શકાય છે. આ વીડિયો 2020માં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. નેશનલ જિયોગ્રાફિકના એક ફોટોગ્રાફર આ વિશે કહે છે કે આ જીવનભરના અનુભવ જેવું છે.