શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ! જાણો કારણો શું છે? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ! જાણો કારણો શું છે?

કોલંબો, શ્રીલંકાઃ શ્રીલંકાના પૂર્ણ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની કોલંબોમાંથી ધરપકડ કરવામાં આવી છે. કોલંબોમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગે પૂર્ણ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાનિલ વિક્રમસિંઘેએ રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન પોતાના વ્યક્તિગત યાત્રાઓ માટે પણ સરકારી ફંડનો ઉપયોગ કર્યો હતો. આવા આરોપ સાથે તેમની ધરપકડ કરવામાં આવી છે.

વ્યક્તિગત કાર્યો માટે સરકારી સંસાધનો દૂરુપયોગ કર્યો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાનિલ વિક્રમસિંઘે આજે સવારે નાણાકીય ગુના તપાસ વિભાગમાં પોતાનું નિવેદન આપવા માટે પહોંચ્યાં હતા. આ કેસમાં અધિકારીઓનું કહેવું છે કે, અત્યારે તેમને કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવશે. નાણાકીય ગુના તપાસ વિભાગે કહ્યું કે, પોતાના કાર્યકાળ દરમિયાન રાનિલ વિક્રમસિંઘે સરકારી સંસાધનોનો વ્યક્તિગત કાર્યો માટે ઉપયોગ કર્યો હતો. જેથી તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાનિલ વિક્રમસિંઘે 2023ની યાત્રા મામલે થઈ ધરપકડ

આ કેસમાં તપાસ એજન્સીએ જણાવ્યું કે રાનિલ વિક્રમસિંઘે 2023માં હવાનાથી પાછા આવતી વખતે લંડનમાં એક ખાનગી યાત્રા કરી હતી. આ દરમિયાન રાનિલ વિક્રમસિંઘે અને તેમની પત્ની મૈથ્રી રાનિલ વિક્રમસિંઘે યુનિવર્સિટી ઓફ વોલ્વર હેમ્પટનમાં કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યાં હતા. આ યાત્રા તેમની વ્યક્તિગત હતી અને તેને માટે સરકારી ફંડ અને સંસાધનોનો દુરુપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: અમેરિકા-ભારત તણાવમાં શ્રીલંકાની એન્ટ્રી: જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે ભારતે મદદ કરી હતી!

જોકે, આ મામલે રાનિલ વિક્રમસિંઘેનું કહેવું છે કે, તેમની પત્ની જ્યારે પણ સાથે આવી છે ત્યારે તેનો તમામ ખર્ચ તેમની પત્નીએ જ ભોગવ્યો હતો. જેમાં સરકારનો એક પણ રૂપિયો વાપરવામાં નથી આવ્યો. પરંતુ શ્રીલંકન CIDનું માનવું છે કે, આ યાત્રા માટે તેમણે સરકારી ફંડનો જ ઉપયોગ કર્યો હતો.

ખાનગી યાત્રા માટે સરકારી ફંડનો કર્યો ઉપયોગ

વિક્રમસિંઘે 2022માં રાષ્ટ્રપતિ બન્યાં હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શ્રીલંકામાં જ્યારે સૌથી ભયાનક આર્થિક મંદી આવી ત્યારે દેશની સ્થિતિ અને અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનું કામ વિક્રમસિંઘે કર્યું હતું. દેશ માટે આટલી સેવા કર્યાં બાદ પણ જ્યારે 2024માં ચૂંટણી થઈ ત્યારે રાનિલ વિક્રમસિંઘેને ચૂંટણીમાં હાર મળે છે અને સત્તા છોડવી પડે છે. અત્યારે હવે તેમના પર આવા આરોપો લાગ્યાં છે.

CID દ્વારા એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે, વિક્રમસિંગે પોતાના ખાનગી યાત્રા માટે સરકારી ફંડનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં પરંતુ તેમના સુરક્ષા કર્મચારીઓને પણ સરકારે વેતન આપ્યું હતું. આ સમગ્ર આરોપો મામલે વિક્રમસિંઘે નિવેદન આપવા માટે ગયાં હતા. જો કે, નિવેદન દરમિયાન જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button