દક્ષિણ કોરિયા સ્કૂલમાં મોબાઇલ પરના પ્રતિબંધનો કાયદો લાવશે, દુનિયાએ અનુસરવું જોઈએ?

સિઓલ: આજના સમયમાં મોટાભાગના લોકોના હાથમાં મોબાઈલ જોવા મળે છે. ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા બાળકો મોબાઈલના બંધાણી બની રહ્યા છે. ત્યારે બાળકોમાં મોબાઈલના વધતા ઉપયોગને કારણે દક્ષિણ કોરિયાએ એક કડક પગલું ભર્યું છે. ત્યાંની સરકારે શાળાઓમાં સ્માર્ટફોન અને સ્માર્ટ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો નવો કાયદો પસાર કર્યો છે.
43 ટકા યુવાનો કરે છે ફોનનો વધુ પડતો ઉપયોગ
દક્ષિણ કોરિયાની સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલો કાયદો માર્ચ 2026થી અમલમાં આવશે. આ કાયદાનો મુખ્ય હેતુ બાળકો અને કિશોરોમાં વધી રહેલા સ્માર્ટફોનના વ્યસનને અટકાવવાનો છે.
દક્ષિણ કોરિયાના કાયદા ઘડવૈયાઓ અને વાલીઓનું માનવું છે કે ફોનનો વધુ પડતો ઉપયોગ બાળકોના અભ્યાસ, સામાજિક કૌશલ્યો અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. સરકારી આંકડા અનુસાર, દક્ષિણ કોરિયામાં લગભગ એક ચતુર્થાંશ વસ્તી અને 43% કિશોરો તેમના ફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: દક્ષિણ કોરિયામાં મોટી ઉથલપાથલઃ કાર્યકારી રાષ્ટ્રપતિએ આપ્યું રાજીનામું
કેટલાક સંજોગોમાં અપાઈ છૂટ
આ બિલ રજૂ કરનારા વિપક્ષી સાંસદ ચો જંગ-હુને જણાવ્યું હતું કે, “એવા નોંધપાત્ર વૈજ્ઞાનિક અને તબીબી પુરાવા છે કે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ મગજના વિકાસ અને ભાવનાત્મક વિકાસને નુકસાન પહોંચાડે છે.” આ કાયદો શિક્ષકોને શાળાના પરિસરમાં ફોન પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપે છે. જોકે, વિકલાંગતા, કટોકટી અથવા અભ્યાસ જેવા કિસ્સાઓમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.
6 દેશોએ બનાવ્યો છે કાયદો
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયા પહેલાં પણ ફ્રાન્સ, ફિનલેન્ડ, ઇટાલી, નેધરલેન્ડ અને ચીન જેવા દેશોએ પણ શાળાઓમાં ફોન પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, આ કાયદાનો વિરોધ પણ થઈ રહ્યો છે. કોરિયન ટીચર્સ એન્ડ એજ્યુકેશનલ વર્કર્સ યુનિયનના કેટલાક સભ્યો ચિંતિત છે કે આ વિદ્યાર્થીઓના અધિકારોનું ઉલ્લંઘન કરી શકે છે. કેટલાક લોકો એવું પણ માને છે કે આ કાયદો તણાવ અને સ્ક્રીન પર નિર્ભરતાના મૂળ કારણોને સંબોધતો નથી.