South Korea: વિપક્ષી નેતા પર ચાકુ વડે હુમલો, હાલત ગંભીર, હોસ્પિટલમાં દાખલ
સિયોલ: દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે-મ્યુંગ પર જીવલેણ હુમલાના સમાચાર આવ્યા છે. બુસાન શહેરમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે લી પર હુમલો થયો હતો. તે સમયે તેઓ પત્રકારોને સંબોધી રહ્યા હતા. દરમિયાન ડાબી બાજુથી એક વ્યક્તિ આવ્યો અને તેના ગળા પર છરી વડે હુમલો કર્યો હતો. જો કે, હુમલાખોરને સ્થળ પરથી જ પકડી લેવામાં આવ્યો છે. જે-મ્યુંગ બુસાનના ગાદેઓક આઇલેન્ડ પર બની રહેલા નવા એરપોર્ટના નિર્માણ માટે એવોર્ડ આપવા ગયા હતા. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
મ્યુંગ દક્ષિણ કોરિયામાં મુખ્ય વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના વડા છે. લી જે-મ્યુંગની ઈજા વિશે હજુ સુધી વધુ માહિતી બહાર આવી નથી. લી પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં જોઈ શકાય છે કે તે આંખો બંધ કરીને જમીન પર સૂઈ રહ્યો છે. જ્યારે તેમની આસપાસ અધિકારીઓનું ટોળું ઊભું છે. તેના ગળામાં કપડું પણ મુકવામાં આવ્યું છે. ઘટનાની 20 મિનિટની અંદર, લીને પુસાન નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહેવાલ છે કે લી હોશમાં છે, પરંતુ તેની ગરદનમાંથી સતત લોહી વહેતું હતું. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેઓ વિપક્ષના અગ્રણી નેતાના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે આવી હિંસા કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દક્ષિણ કોરિયામાં બંદૂક રાખવા પર પ્રતિબંધ છે. દક્ષિણ કોરિયામાં ઘણા સમયથી આવા હુમલાઓ થઈ રહ્યા છે. 2006માં તત્કાલીન વિપક્ષી પાર્ટીના નેતા પાર્ક જ્યુન પર એક કાર્યક્રમમાં ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેના ચહેરા પર ઘાના નિશાન રહી ગયા હતા. આ હુમલાને કારણે તેને સર્જરી પણ કરાવવી પડી હતી.