દક્ષિણ આફ્રિકામાં ખતના દરમિયાન 41 યુવકોના મોત, આ મામલે સરકારે કાર્યવાહી કરી…

જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નવેમ્બર અને ડિસેમ્બર મહિના દક્ષિણ આફ્રિકામાં ખતના દરમિયાન 41 યુવકોના મોત થયાં છે. આફ્રિકાના વિવિધ સમૂહોમાં યુવકોને વયસ્ક બનાવવા માટે ખતના કરવામાં આવે છે. આ દરમિયાન 41 યુવકોના મોત થવા એ એક મોટી ઘટના છે. અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે આ જાણકારી આપવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે દક્ષિણ આફ્રિકાના ખોસા, ન્ડેબેલે, સોથો અને વેન્ડા સમુદાયો ખતના કરવામાં આવે છે.
ખોસા, ન્ડેબેલે, સોથો અને વેન્ડા સમુદાયોમાં થયા આ મોત
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પરંપરા એવી છે ખતના દરમિયાન યુવકોને અલગ રાખવામાં આવતા હોય છે. આ દરમિયાન સમાજના અગ્રણીઓ દ્વારા યુવાનોને પુખ્તાવસ્થાના મૂલ્યો અને જવાબદારીઓ શીખવવામાં આવે છે. ખતનામાં દર વર્ષે અનેક યુવકોના મોત થતાં હોય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં મોટા ભાગે વર્ષમાં બે વખત જૂન-જુલાઈ અને નવેમ્બર-ડિસેમ્બરમાં જ્યારે શાળાઓમાં રજાઓ હોય ત્યારે ખતના પ્રક્રિયા રાખવામાં આવે છે.

આ યુવકોના મોત મામલે તંત્રએ આપ્યો જવાબ
નવેમ્બર-ડિસેમ્બરમાં થયેલા ખતનાની વાત કરવામાં આવે તો, આ વર્ષે 41 યુવકોના મોત થયાં છે. આમાં હવે તંત્રએ સલામતી ધોરણો, તબીબોની સલાહની અવહેલના અને આ સમારોહ દરમિયાન આયોજકો અને માતા-પિતા પર બેદરકારીનો આરોપ મુકવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના પરંપરાગત બાબતોના પ્રધાન વેલેનકોસિની હલાબિસા દ્વારા આ આરોપ મુકવામાં આવ્યો છે. વેલેનકોસિની હલાબિસા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, ખતના દરમિયાન યુવકોને પાણીથી બચવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ ઘણાં તેનું પાલન નથી કરતા.
આ મામલે 41 લોકોની ધરપકડ કરવામાં આવી
વેલેનકોસિની હલાબિસાએ વધુમાં કહ્યું કે, આ મામલે અત્યાર સુધીમાં 41 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં માતા-પિતા પણ સામેલ છે. માતા-પિતાએ પોતાના બાળકોની ઉંમર ઓછી બતાવી હોવાના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં એવો કાયદો છે કે, જે બાળકની ઉંમર 16 વર્ષથી વધારે હોય તેમને જ ખતના પ્રક્રિયા માટે શાળામાં મોકલવામાં આવે છે. આ મામલે હજી પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું પરંપરાગત બાબતોના પ્રધાન વેલેનકોસિની હલાબિસાએ જણાવ્યું હતું.



