
હાર્વર્ડ, યેલ, બર્કલે અને કોલંબિયા સહિત અમેરિકાની ઘણી વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ આ દિવસોમાં ઈઝરાયલનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓનો અડ્ડો બની ગઈ છે. અહીંના ઘણા વિદ્યાર્થીઓ ગાઝામાં ઈઝરાયેલના હુમલા રોકવાની માંગ સાથે યુનિવર્સિટી કેમ્પસમાં હડતાળ પર બેઠા છે. આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અંદર વિવિધ જગ્યાએ ટેન્ટ લગાવ્યા છે અને તેમાં રહેવાનું પણ શરૂ કરી દીધું છે. પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહેલા આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી ગાઝામાં ઈઝરાયેલની બોમ્બમારો બંધ નહીં થાય ત્યાં સુધી તેઓ તેમનું પ્રદર્શન સમાપ્ત નહીં કરે. અમેરિકન યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરી રહેલા આ વિદ્યાર્થીઓને રહેવાથી લઈને ભોજન સુધીની કોઈ સમસ્યાનો સામનો કરવો ન કરવો પડે એની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રદર્શનકારીઓ માટે ટેન્ટથી લઈને ચિકન અને પિઝાથી લઈને કોફી સુધીની દરેક વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ વિરોધ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. અહેવાલ મુજબ, આ પ્રો-પેલેસ્ટાઈન વિરોધીઓને અમેરિકન અબજોપતિ અને યહૂદી ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ સાથે સંકળાયેલા NGO દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
જ્યોર્જ સોરોસ ડાબેરી વિચારધારા ધરાવતા પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ છે. એવું કહેવાય છે કે એકવાર જ્યોર્જ સોરોસે બેન્ક ઓફ ઈંગ્લેન્ડને બરબાદીના આરે મૂકી દીધું હતું. આ એ જ જ્યોર્જ સોરોસ છે, જેને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. એક વર્ષ પહેલા ફેબ્રુઆરી 2023માં સોરોસે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને આર્થિક રીતે સંપીર્ણપણે પાયમાલ કરવાની કોશિશ કરી હતી અને પીએમ મોદી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
અમેરિકાની 8થી વધુ યુનિવર્સિટીઓમાં જે વિરોધ ચાલી રહ્યો છે તેની શરૂઆત કોલંબિયા યુનિવર્સિટીથી થઈ હતી. હવે આ પ્રદર્શનમાં હાર્વર્ડ, યેલ, બર્કલે, ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી અને જ્યોર્જિયાની એમોરી યુનિવર્સિટી પણ સામેલ છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સ ફોર જસ્ટિસ ઇન પેલેસ્ટાઇન (SJP) દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. જ્યારે આ સંસ્થાને જ્યોર્જ સોરોસ સાથે સંકળાયેલા ઘણી એનજીઓ પાસેથી ભંડોળ મળી રહ્યું છે.
અહેવાલ મુજબ, અમેરિકન યુનિવર્સિટીઓમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને ત્રણ યુનિવર્સિટીઓમાં ફેલોશિપ (પૈસા) પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને યુએસ કેમ્પેઈન ફોર પેલેસ્ટિનિયન રાઈટ્સ (યુએસસીપીઆર) તરફથી ફેલોશિપ મળે છે. જ્યારે, USCPR જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં સ્ટુડન્ટ્સ ફોર જસ્ટિસના ભૂતપૂર્વ પ્રમુખ નિદા લાફી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના કાફલાને રોકવા માટે લાફીની અગાઉ પણ એક વખત અટક કરવામાં આવી હતી.
યેલ યુનિવર્સિટી વિશે વાત કરીએ, તો યુએસસીપીઆર સભ્ય ક્રેગ બર્કહેડ-મોર્ટન ઇઝરાયેલના વિરોધનો મુખ્ય ચહેરો છે. જોકે, કેમ્પસ લૉન પર અતિક્રમણ કરવા બદલ પોલીસે ક્રેગને કસ્ટડીમાં લીધો છે.
રિપોર્ટ અનુસાર, USCPR અઠવાડિયામાં 8 કલાક પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન કરવા માટે સારી એવી રકમ ચૂકવે છે. તે તેના સહયોગીઓને 7,800 અમેરિકી ડૉલર, કેમ્પસ ફેલોને 2,880 અને 3,660 અમેરિકી ડૉલર આપે છે. અહેવાલ મુજબ, SJPને 2017થી અત્યાર સુધીમાં સોરોસના NGO ઓપન સોસાયટી ફાઉન્ડેશન પાસેથી લગભગ 3 લાખ યુએસ ડોલર મળ્યા છે. આ ઉપરાંત 2019 થી રોકફેલર બ્રધર્સ ફંડમાંથી પણ લાખો રૂપિયા મળ્યા છે.