સોમાલિયામાં હેલિકોપ્ટર ક્રેશઃ યુગાન્ડાના પાંચ સૈનિક શહીદ

મોગાદિશુઃ સોમાલિયામાં આફ્રિકન યુનિયનના શાંતિ મિશનમાં સેવા આપી રહેલું એક લશ્કરી હેલિકોપ્ટર બુધવારે રાજધાની મોગાદિશુના એક એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં યુગાન્ડાના પાંચ સૈનિક શહીદ થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દુર્ઘટના સમયે એમઆઇ-૨૪ હેલિકોપ્ટર લોઅર શાબેલે પ્રદેશના એક એરફિલ્ડથી આવી રહ્યું હતું. તેમાં આઠ લોકો સવાર હતા. આ હેલિકોપ્ટર મૂળ યુગાન્ડા વાયુ સેનાનું હતું, પરંતુ તેનું સંચાલન આફ્રિકન યુનિયનના શાંતિ મિશન દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
આ પણ વાંચો: કોઈનું પ્લેન તો કોઈનું હેલિકોપ્ટર ક્રેશ થયું, દેશમાં અત્યાર સુધી જાણીતી 10 હસ્તીઓના થયા મોત…
યુગાન્ડાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે હેલિકોપ્ટર એક મિશન પર હતું અને પાઇલટ, કો-પાઇલટ અને ફ્લાઇટ એન્જિનિયર અકસ્માતમાં બચી ગયા હતા. પરંતુ તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. સોમાલિયા નાગરિક ઉડ્ડયન સત્તામંડળના ડિરેક્ટર જનરલ અહેમદ મોઆલિમ હસને જણાવ્યું કે દુર્ઘટનાની તપાસ ચાલુ છે.
સૌપ્રથમ ઘટનાસ્થળે પહોંચેલા લોકો પૈકીના એક ઉડ્ડયન અધિકારી ઓમર ફરાહે જણાવ્યું કે તેમણે હેલિકોપ્ટરને ગોળ ગોળ ફરતું અને પછી ખૂબ જ ઝડપથી નીચે પડતું જોયું હતું. પ્રત્યક્ષદર્શી અબ્દિરહિમ અલીએ જણાવ્યું કે તેમણે વિસ્ફોટનો પ્રચંડ અવાજ સાંભળ્યો અને ચારેકોર ગાઢ ધુમાડો જોયો. એડન એડ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરીમાં થોડો વિલંબ થયો હોવાના અહેવાલ મળ્યા બાદ ટૂંક સમયમાં જ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.