હવે ઓસ્ટ્રેલિયાના બાળકો નહીં જોઈ શકે યુ ટ્યૂબ ચેનલઃ ભારતમાં આવા નિયમો ક્યારે?

સોશિયલ મીડિયાનો ક્રેઝ આજે બાળકોથી લઈ યુવાનો અને વડીલો સુધી છવાયેલો છે. ફેસબુક, ઈન્ટાગ્રામ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ યુવાનોને આકર્ષે છે, આ સાથે બાળકો પર પણ તેનો અસર જોવા મળે છે. આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકો કલાકો વિતાવી શકે છે. જ્યારે લાંબા ગાળે તેની આડઅસરો પણ જોવા મળે છે. બાળકોમાં શારીરિક અને માનસિક બંને અસરો વર્તાય છે. ઘણી વખત આ વ્યસનના પરિણામ પણ ખરાબ આવે છે. ભારતમાં એવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવે છે. જેમાં સોશિયલ મીડિયાને કારણે બાળકોએ ખોટા પગલા ભરી લીધા હોય. આવા સંભવિત ખરાબ પરિણામોને ડામવા માટે ઓસ્ટેલિયન સરકારે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે યુટ્યુબ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઘટનાથી ભારતમાં આવા નિયમ લાગૂ કરવાની જરૂરીયાતની ચર્ચાને વેગ આપ્યો છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે ઓસ્ટ્રેલિયા સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે યુટ્યુબ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. મીડિયા અહેવાલ મુજબ, લગભગ એક મહિના પહેલા ઓસ્ટ્રેલિયાના ઇન્ટરનેટ નિયામકે સરકારને યુટ્યુબને પ્રતિબંધમાંથી બાકાત રાખવાની યોજના રદ કરવાની વિનંતી કરી હતી. પહેલા યુટ્યુબને યુવાનો માટે લાભદાયી અને મૂલ્યવાન ગણીને આ યાદીમાથી બાકાત રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે સરકારે તેના પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય ડિસેમ્બર 2025થી લાગુ થશે, જેના હેઠળ લગભગ 10 લાખ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મૂકાશે.
ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સરકારે ઓનલાઈન સેફ્ટી એમેન્ડમેન્ટ (સોશિયલ મીડિયા મિનિમમ એજ) બિલ 2024 રજૂ કર્યું હતું, જેના હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ટિકટોક, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, X અને સ્નેપચેટનો સમાવેશ થાય છે. આ કાયદા હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ પર જવાબદારી નાખવામાં આવી છે કે તેઓ બાળકોને પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવા અથવા તેનો ઉપયોગ કરવાથી રોકે. આનો ઉદ્દેશ બાળકોને ઓનલાઈન ખતરાઓથી બચાવવાનો છે, જેમાં અયોગ્ય કન્ટેન્ટ અને સાયબર બુલિંગનો સમાવેશ થાય છે.
આગાઉ ઓસ્ટ્રેલિયન સરકારે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે વિવિધ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુક્યો હતો. જ્યારે હવે યુટ્યૂબ પર પણ પ્રતિબંધ મુક્યો છે. હવે યુટ્યૂબ પ્રતિબંધ હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો યુટ્યુબ પર વીડિયો જોઈ તો શકશે, પરંતુ તેઓ પોતાનું એકાઉન્ટ બનાવી શકશે નહીં. આનો અર્થ એ છે કે તેઓ કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ અપલોડ કરી શકશે નહીં કે પ્લેટફોર્મ દ્વારા અન્ય લોકો સાથે વાતચીત કરી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા કંપનીઓએ હાલના એકાઉન્ટ્સ નિષ્ક્રિય કરવા અને નવા એકાઉન્ટ બનાવવા પર રોક લગાવવી પડશે. આ ઉપરાંત, બાળકોને કોઈ પણ પ્રકારની ઇન્ટરેક્ટિવ સુવિધાઓનો ઉપયોગ કરવાથી રોકવું પડશે, જેમ કે કોમેન્ટ એન્ડ લાઈક્સ. ઉપરાંત કંપનીએ યુટ્યૂબની નીતિઓ અને ટેક્નોલોજીમાં મોટા ફેરફારો કરવા પડશે.
આપણ વાંચો: ફ્રાન્સ, બ્રિટન બાદ આ દેશ પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશનો દરજ્જો આપશે, ઇઝરાયલના પેટમાં તેલ રેડાયું
ઓસ્ટ્રેલિયા સરકાર હાલમાં એજ-વેરિફિકેશન ટેક્નોલોજીની ટેસ્ટિંગ અંગેના અહેવાલની રાહ જોઈ રહી છે, જે આ પ્રતિબંધના અમલીકરણને અસર કરશે. આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયામાં બાળકોની ઓનલાઈન સુરક્ષા મજબૂત થશે, પરંતુ તેની અસર અન્ય દેશો, જેમ કે ભારત, પર ક્યારે અને કેવી રીતે પડશે તે હજુ સ્પષ્ટ નથી.