તો શું યુએન હમાસ અને ઇઝરાયલના યુદ્ધને મૂક બની જોઇ રહેશે?
જ્યારે હમાસે ઈઝરાયેલના નાગરિકો પર હુમલો કર્યો ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે યુદ્ધ આટલું ભયાનક વળાંક લેશે. ઈઝરાયલ હાલ હમાસને ખતમ કરવાના મૂડમાં છે. તેની અસર બંને બાજુ જોવા મળી રહી છે. વિનાશની હૃદયદ્રાવક તસવીરો સામે આવી રહી છે. પરંતુ વિશ્વવ્યાપી શાંતિ માટે જવાબદાર હોવાનો દાવો કરતું યુનાઈટેડ નેશન્સ લગભગ ગાયબ છે.
આજે વિશ્ર્વમાં શાંતિની વાત આવતા જ સંયુક્ત રાષ્ટ્રનું નામ લેવામાં આવે છે. તે ગરીબ દેશોને મદદ કરે છે. યુદ્ધ પ્રભાવિત દેશો સાથે મિત્રતા માટે અપીલ કરે છે. યુએનનો પ્રભાવ એટલો છે કે દેશો તેની સદસ્યતા લેવા માટે પડાપડી કરતા હોય છે. પણ સવાલ એ છે કે આંતરરાષ્ટ્રીય શાંતિના દાવા કરનાર યુએન અત્યારે ક્યાં છે? તો પછી તે પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધમાં મધ્યસ્થી કેમ નથી કરી રહ્યો કે પછી કોઈ પ્રકારની મદદ કેમ નથી કરી રહ્યો?
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની 90 મિનિટ લાંબી બેઠક યોજાઈ હતી, જેમાં યુદ્ધ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 15 દેશોએ મળીને હમાસની નિંદા કરી અને ઈઝરાયલ સાથે શાંતિની અપીલ કરી. બસ એનાથી વધારે કંઈ થયું નહીં. યુએનની અપીલ હવામાં લટકતી રહી. અહીં યુદ્ધ દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ લઇ રહ્યું છે. પડોશી અને દૂરના દેશોએ પણ આગમાં બળતણ ઉમેરવાનું શરૂ કર્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ આવી જ સ્થિતિ બની હતી.
યુએનની જવાબદારી વિશ્ર્વમાં શાંતિ સ્થાપવાની છે. વર્ષ 1945માં જ્યારે આ આંતરરાષ્ટ્રીય સંગઠનની રચના થઈ ત્યારે સૌથી મોટો ઉદ્દેશ્ય શાંતિ જાળવવાનો હતો. વિશ્વએ ટૂંકા ગાળામાં બે વિશ્વયુદ્ધોનો ભોગ લીધો હતો. આવી સ્થિતિમાં શક્તિશાળી દેશોએ સાથે મળીને નક્કી કર્યું કે જે દેશો યુદ્ધ કરવા માગે છે તેમના પર શાંતિ માટે દબાણ કરવું જોઈએ. શરૂઆતમાં 50 દેશો આમાં જોડાયા હતા ધીરે ધીરે 193 દેશો આમાં જોડાયા હતા.