ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

‘…તો ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરશે’, રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય મીડિયાના દાવા પર ભારતની નીતિ સ્પષ્ટ કરી

નવી દિલ્હીઃ દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ દેશ છે. ભારતે ક્યારેય કોઇની એક ઇંચ પણ જમીન પચાવી પાડી નથી. ભારત તેના પડોશી દેશો સાથે સુમેળભર્યા સંબંધો બનાવી રાખવામાં માને છે. આ ભારતનું ચરિત્ર છે, પણ જો કોઇ દેશની શાંતિ સામે જોખમ ઊભું કરશે તો તેને કોઇ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. તેના ઘરમાં ઘુસીને તેને ઠાર કરીશું, ભલે પછી એ પાકિસ્તાનમાં કેમ ના છુપાયો હોય.

ભારત એક શક્તિશાળી દેશ છે અને પાકિસ્તાને પણ આ વાત સમજવાનું શરૂ કરી દીધું છે. રાજનાથ સિંહ બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ના અહેવાલ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં ભારત પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગ કરી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે ભારતે જેને પોતાના માટે દુશ્મન માને છે તેને નિશાન બનાવવાની નીતિ અમલમાં મૂકી છે અને 2019ના પુલવામા હુમલા બાદ ભારતીય ગુપ્તચર એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)એ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચનારા આવા ઓછામાં ઓછા 20 લોકોને ઠેકાણે લગાવ્યા છે.

રાજનાથ સિંહની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારતે ધ ગાર્ડિયનના અહેવાલને નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલયે પણ ‘ધ ગાર્ડિયન’ના અહેવાલમાં લગાવવામાં આવેલા આરોપોને ‘ખોટા, દૂષિત અને ભારત વિરોધી પ્રચાર’ ગણાવ્યા છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે અનેક પ્રસંગો પર એમ પણ કહ્યું છે કે અન્ય દેશોમાં ટાર્ગેટ કિલિંગ એ ‘ભારત સરકારની નીતિ’નો ભાગ નથી.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજસ્થાનના ચુરુમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘અગાઉ જ્યારે હું 26 ફેબ્રુઆરી, 2019ના રોજ અહીં આવ્યો હતો, તે જ સમયે દેશે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી. ચુરુની ધરતી પરથી મેં જે શબ્દો કહ્યા હતા તે શબ્દો હું ફરી એકવાર દોહરાઉ છું અને આ વીરોની ધરતી પરથી મારી લાગણીઓનું પુનરાવર્તન કરું છું. ત્યારે મેં કહ્યું હતું… ‘હું આ ધરતી પર શપથ લેઉં છું કે હું દેશને અદૃશ્ય થવા નહીં દઉં, દેશને અટકવા નહીં દઉં, દેશને ઝૂકવા નહીં દઉં… મારા આ શબ્દો ભારત માતા માટે છે, હું તમારું માથું ઝુકવા નહીં દઉં. આજે અમે અમારા દળોને સરહદ પર વળતો હુમલો કરવા માટે મુક્ત લગામ આપી છે. હવે તો દુશ્મન પણ જાણે છે કે આ નવું ભારત છે, તે ઘરમાં ઘૂસીને મારે છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button