અમેરિકા સહીત 6 દેશોએ UNRWAનું ફંડિંગ બંધ કર્યું, એજન્સીએ કહ્યું ‘આ આપણા બધા પર કલંક’
ઇઝરાયલના સતત હુમલા અને ઘેરાબંધીને કારણે ગાઝામાં ગંભીર માનવીય સંકટ સર્જાયું છે, યુનાઇટેડ નેશન્સની યુનાઇટેડ નેશન્સ રીલીફ એન્ડ વર્ક એજન્સી (UNRWA) ગાઝામાં પીડિત લોકોને માનવીય સહાય આપવા માટે કામ કરી રહી છે. એવામાં અમેરિકા સહિત ઘણા દેશોએ ગાઝામાં શરણાર્થીઓ માટે કામ કરતી UNRWA આપવાનું બંધ કરી દીધું છે. ઈઝરાયેલ સરકારે દાવો કર્યો હતો કે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાય પર થયેલા હુમલામાં યુએન એજન્સીના સ્ટાફે પણ મદદ કરી હતી. જે દેશોએ ફંડિંગ બંધ કર્યું છે તેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે.
UNRWA કમિશનર-જનરલ ફિલિપ લઝારિનીએ જણાવ્યું હતું, “ગાઝામાં પેલેસ્ટિનિયનોને આ વધારાની સામૂહિક સજા અસ્વીકાર્ય છે, આ આપણા બધા પર કલંક છે.” એજન્સીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે કેટલાક કર્મચારીઓની તપાસ શરૂ કરી છે અને તેમની સાથે સંબંધો તોડી નાખ્યા છે.
UNના વધુ દેશોને ફંડ રોકવા પ્રોત્સાહિત કરતા ઇઝરાયેલના વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે કહ્યું કે લડાઈ સમાપ્ત થયા પછી UNRWA ને બદલી દેવું જોઈએ. યુએનના નાયબ પ્રવક્તા ફરહાન હકને જ્યારે કાત્ઝની ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું: “અમે આવા નિવેદનો પર પ્રતિક્રિયા નહીં આપીએ. UNRWA નો એકંદરે મજબૂત રેકોર્ડ રહ્યો છે.’