સિંગાપોરના પીએમ આપશે રાજીનામું, લોરેન્સ વોંગની નિયુક્તિ
સિંગાપોરઃ સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ આજે પીએમપદ પરથી રાજીનામું આપશે તેમ જ લોરેન્સ વોંગને આગામી વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવશે. તેઓ હાલમાં દેશના નાયબ વડા પ્રધાન છે. આ જાહેરાત સોમવારે વડા પ્રધાને કરી હતી.
વડા પ્રધાન કાર્યાલય તરફથી જારી એક નિવેદનમાં હેન્ડઓવરની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. ફેસબુક પોસ્ટમાં ૭૨ વર્ષીય લીએ કહ્યું કે નેતૃત્વ પરિવર્તન કોઇ પણ દેશ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હું ૧૫ મે ૨૦૨૪ના રોજ વડા પ્રધાનપદેથી રાજીનામું આપીશ અને ડેપ્યુટી પીએમ લોરેન્સ વોંગ આગામી વડા પ્રધાન તરીકે શપથ લેશે.
લીએ ૨૦૦૪થી સિંગોપોરના ત્રીજા વડા પ્રધાન અને શાસક પીપલ્સ એક્શન પાર્ટીના સેક્રેટરી-જનરલ તરીકે સેવા આપી છે. તેમણે કહ્યું કે લોરેન્સ અને ફોરજી ટીમે કોરોનાકાળ દરમિયાન સખત મહેનત કરી હતી. મીડિયાના અહેવાલ મુજબ લીએ ૨૦૧૨માં જાહેર કર્યું હતું કે તેઓ ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડા પ્રધાન બનવા માંગતા નથી. જેના ૧૨ વર્ષ બાદ આ સંક્રાન્તિ આવી છે.
સાંસદ બન્યાના થોડા સમય પછી લીને વેપાર અને ઉદ્યોગ અને સંરક્ષણ રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૮૦ અને ૯૦ના દાયકાની શરૂઆતમાં તેઓ બીજા સંરક્ષણ પ્રધાન અને વેપાર અને ઉદ્યોગ પ્રધાન પણ રહ્યા હતા.