તો શું કોરોના મહામારી ફરી પાછી આવશે?
કોરોના એ ફરી લોકો વચ્ચે પગપેસારો કર્યો છે. સિંગાપોરમાં કોરોનાના કેસ ફકત એક અઠવાડિયામાં જ 56 હજારનો આંકડો વટાવી ગયા છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસમાં 75 ટકાનો વધારો થયો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે 19 ડિસેમ્બરથી દરરોજ કોરોના અપડેટ્સ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
સિંગાપોર સરકારે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપી છે. જે લોકો બીમાર નથી તેમને પણ માસ્ક ફરજિયાત પહેરવાનો રહેશે. ખાસ કરીને વૃદ્ધ લોકો સાથે રહેતા લોકોને ઘરની અંદર પણ માસ્ક પહેરવાની તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે ટૂંક સમયમાં કોવિડ દર્દીઓ માટે બેડ અને બીજી વ્યવસ્થા કરવામાં આવશે. જોકે સિંગાપોરની ક્રોફર્ડ હોસ્પિટલ પહેલેથી જ કોવિડ દર્દીઓની સારવાર કરી રહી છે.
સિંગાપોરમાં હાલમાં કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા દરરોજ સરેરાશ 225-350 છે. તેમજ રોજ 4 થી 5 દર્દીઓને આઈસીયુમાં દાખલ કરવા પડે છે. મોટાભાગના સંક્રમિત દર્દીઓ કોરોના વેરિઅન્ટ JN.1 થી સંક્રમિત છે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વોરિયન્ટ એટલો ચેપી નથી કે તરત જ એક દર્દીથી બીજા દર્દીમાં ટ્રાન્સફર થાય છે.
નોંધનીય છે કે ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. શુક્રવારે દેશમાં કોરોનાના 312 નવા કેસ નોંધાયા છે, 280 કેસ ફકત કેરળના છે. તેમજ જે દર્દીઓને ચેપ લાગ્યો છે, તેમના લક્ષણો પણ બહુ ગંભીર નથી. સરકારી ડેટા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 17605 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.