ન્યૂયોર્કમાં કાર અકસ્માત બાદ માર મારવામાં આવતા ભારતીય મૂળના શીખનું મોત

ન્યૂ યોર્કઃ ન્યૂયોર્કમાં કાર અકસ્માત બાદ 66 વર્ષીય ભારતીય મૂળના શીખની એક વ્યક્તિએ હત્યા કરી હતી. શહેરના મેયર એરિક એડમ્સે શીખના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. લગભગ એક અઠવાડિયામાં શીખો વિરુદ્ધ આ બીજી દુ:ખદ ઘટના છે. ગિલ્બર્ટ ઓગસ્ટિને કાર અકસ્માત બાદ જસમેર સિંહ પર હુમલો કર્યો હતો, જેના કારણે માથામાં ઈજા થઈ હતી. તેમને ગંભીર હાલતમાં ક્વીન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એક દિવસ પછી તેમનું મૃત્યુ થયું હતું. જસમેર સિંહ સાથે મારપીટની ઘટના 19 ઓક્ટોબરે બની હતી. ગિલ્બર્ટ ઓગસ્ટિનની 20 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.
ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે આ ઘટનાની નિંદા કરી અને સમુદાયની સુરક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે કહ્યું, જસમેર સિંહ ન્યૂયોર્ક સિટીને પ્રેમ કરતા હતા. બધા ન્યૂ યોર્કવાસીઓ વતી, હું ઈચ્છું છું કે અમારા શીખ સમુદાયને ખબર પડે કે અમારી લાગણીઓ તમારી સાથે છે. અમે નફરતને નકારી કાઢીએ છીએ અને અમે તમારું રક્ષણ કરીશું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળના શીખ અને ઓગસ્ટિનની કાર એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માતને કારણે કારમાં ઉઝરડા પડ્યા હતા. આ જોઈને ઓગસ્ટિન ગુસ્સે થઈ ગયો હતો અને તેણે જસમેર સિંહ પર હુમલો કરતાં તેઓ ગંભીરપણે ઘાયલ થયા હતા.