ટ્રમ્પ સરકાર અને ડેમોક્રેટ્સ વચ્ચે ફંડિંગ પર સમજૂતી ન થતા શટડાઉન યથાવત્; હજારો ફેડરલ કર્મચારીઓની નોકરી પર જોખમ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના શટડાઉનને બે દિવસ થયા હતા. ટ્રમ્પ વહીવટીતંત્ર અને ડેમોક્રેટ્સ વચ્ચે ફંડિંગ વધારવા પર કોઈ કરાર ન થતા આ શટડાઉન યથાવત્ છે. આ શટડાઉન ઓછામાં ઓછા ત્રણ દિવસ રહેશે. હજારો ફેડરલ કર્મચારીઓની રજા અથવા સંભવિત કાયમી છટણીના જોખમની સાથે લગભગ સાત વર્ષમાં પ્રથમ અમેરિકન સરકારનું શટડાઉન લગભગ 6.7 મિલિયન ઓછી આવક ધરાવતા અમેરિકન નાગરિકો માટે મહત્વપૂર્ણ ખાદ્ય સહાયને પણ જોખમમાં મૂકી શકે છે અને દેશમાં અનેક સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સ સમાપ્ત કરવાની તૈયારીમાં છે.
મીડિયાના અહેવાલ અનુસાર અમેરિકન સરકારના શટડાઉનથી લગભગ 67 લાખ ઓછી આવક ધરાવતા અમેરિકન લોકો માટે ખાદ્ય સહાય કાર્યક્રમ ખતરામાં છે કારણ કે સેનેટમાં રિપબ્લિકન નેતૃત્વવાળી સરકાર અને ડેમોક્રેટ્સ વચ્ચે ઝડપી ઉકેલના કોઈ સંકેતો નથી.
આ પણ વાંચો: અમેરિકામાં ‘શટડાઉન’ના એંધાણ: ડેમોક્રેટ્સ vs રિપબ્લિકન્સના મતભેદોથી ‘મંદી’નું સંકટ?
વ્હાઇટ હાઉસના મતે અમેરિકન ફેડરલ કર્મચારીઓની મોટા પાયે છટણી “નિકટવર્તી” છે અને તેના પરિણામે લોકો થોડા દિવસોમાં કાયમી ધોરણે તેમની નોકરી ગુમાવી શકે છે, કારણ કે સરકારી શટડાઉન બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. સાત વર્ષમાં પ્રથમવાર થયેલા આ શટડાઉનને લઈને અમેરિકાના સાંસદો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. શટડાઉનના કારણે હજારો કર્મચારીઓને પગાર વિના રજા આપવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રિપબ્લિકન સાથીઓને વધુ કાયમી કાપ મૂકવા માટેની “તક” તરીકે ઉપયોગ કરવા હાકલ કરી છે. કોંગ્રેસમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ નવી ખર્ચ યોજના પર સહમત ન થતા બુધવારથી શટડાઉન શરૂ થયું હતું.
બંને પક્ષો વચ્ચે સમાધાન થાય તેવા બહુ ઓછા સંકેત છે અને પરિસ્થિતિને સમાપ્ત કરવાનો પ્રયાસ કરવા માટે આગામી મતદાન શુક્રવાર સુધી યોજાશે નહીં.