શુભાંશુ શુક્લા આ તારીખે અવકાશથી પૃથ્વી પર પરત ફરશે! નાસાએ આપી જાણકારી…

વોશિંગ્ટન ડીસી: નાસાના એક્સિઓમ-4 મિશન અંતર્ગત ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અન્ય ૩ ક્રૂ મેમ્બર્સ સાથે હાલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે. તેઓ ટૂંક સમયમાં પૃથ્વી પર પરત (Shubhanshu Shukla return to earth) ફરવાના છે. નાસાએ આપેલી માહિતી મુજબ શુભાંશુ શુક્લા સહિત તમામ અવકાશયાત્રીઓ 14 જુલાઈના રોજ ISS મથકથી પૃથ્વી પર પરત ફરશે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
નાસાના નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મેનેજર સ્ટીવ સ્ટિચે ગુરુવારે આ મોશન અંગે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, “અમે સ્ટેશન પ્રોગ્રામ પર કામ કરી રહ્યા છીએ અને એક્સિઓમ-4 ની પ્રગતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. હવે આ મિશનને અનડોક કરવું પડશે અને હાલ નક્કી કરવામાં આવેલી તારીખ 14 જુલાઈ છે.”
ISSમાં શુભાંશુ શુક્લાએ કરેલો પ્રયોગ:
શુભાંશુ શુક્લાએ ISSમાં રહેતા એક પ્રયોગના ભાગરૂપે ‘પેટ્રી ડીશ’માં મગ અને મેથીના છોડ ઉગાડ્યા છે. શુક્લાએ આ છોડને ISSના ફ્રીઝરમાં રાખ્યા હતા અને તેમણે એક ફોટો પણ શેર કર્યો હતો. આ પ્રયોગનો હેતુ એ જાણવાનો છે કે માઇક્રોગ્રેવિટી છોડના અંકુરણ અને પ્રારંભિક વિકાસને કેવી રીતે અસર કરે છે.
નાસાનું એક્સિઓમ-4 મિશન 25 જૂનના રોજ યુએસના ફ્લોરિડામાં આવેલા કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ પછી, સ્પેસ એક્સનાં ડ્રેગન અવકાશયાન 28 કલાકની મુસાફરી પછી 26 જૂને ISS પર પહોંચ્યું હતું.