અફઘાનિસ્તાનથી શીખે BCCI અને કેન્દ્ર સરકાર…..! શિવસેનાના સાંસદે કેમ કરી આવી ભલામણ?

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર પાકિસ્તાની એર સ્ટ્રાઈક અને તેના જવાબમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સામે કરવામાં આવેલી કાર્યવાહીએ ભારતમાં રાજકીય વિવાદને જન્મ આપી દીધો છે.
અફઘાનિસ્તાનના મીડિયા અહેવાલ મુજબ, મોડી રાત્રે થયેલા આ હુમલાના તુરંત બાદ ACBએ નવેમ્બરમાં પાકિસ્તાન સાથે થનારી પોતાની ટ્રાઈ-નેશન ટી20 ક્રિકેટ સિરીઝ રદ્દ કરી દીધી છે. આ હુમલામાં ઉરગુન જિલ્લાના ત્રણ સ્થાનિક ક્રિકેટરો કબીર, સિબગતુલ્લાહ અને હારૂનની મોત થઈ ગઈ હતી.
BCCI અને ભારત સરકાર પર સાધ્યું નિશાન
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના આ વલણનો હવાલો આપતા શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ભારત સરકારને પણ રમતોથી વધારે દેશને પ્રાથમિકતા આપવાની સલાહ આપી છે. તેમણે અફઘાન ક્રિકેટર રાશિદ ખાનની એક પોસ્ટ શેર કરતા કહ્યું, “પાકિસ્તાની સત્તાતંત્ર કાયરોથી બનેલું છે જે પોતાના નિર્દોષ પીડિતોના લોહી પર નભે છે અને સીમાઓ પર પિટાય છે. તેમના પર શરમ આવવી જોઈએ. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા પાકિસ્તાન સાથે પોતાની સિરીઝ રદ્દ કરવાનો નિર્ણય સારો છે. કદાચ બીસીસીઆઈ અને ભારત સરકાર રમતોથી વધારે દેશને પ્રાથમિકતા આપવાની ટિપ્સ લઈ શકે.”
એમણે વધુ એક પોસ્ટમાં શ્રીલંકાની ટીમને પણ અફઘાન ટીમ સાથે એકતા દર્શાવતા આ સિરીઝમાંથી હટી જવાની અપીલ કરી હતી. એમણે કહ્યું, “આ પણ ન ભૂલશો કે 2009માં પાકિસ્તાન પ્રવાસ પર તેમની ટીમ પર પણ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. બીસીસીઆઈથી વિપરીત, મને આશા છે કે અન્ય એશિયન ટીમો પણ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે એકતાથી ઊભી રહેશે.”
તેમણે સ્પષ્ટતા પણ કરી કે તેમની ટિપ્પણી રાજનીતિ વિશે નહીં, પરંતુ જાન ગુમાવનારા લોકો વિશે હતી. એમણે આગળ કહ્યું, “રમતોથી રાજનીતિને દૂર રાખો” એક એવી વાત છે જેને સરકાર અને બીસીસીઆઈના સમર્થકો સરળતાથી ઉછાળી દે છે. આ રાજનીતિ નહીં, પરંતુ આતંકવાદનો મામલો છે. એક દુષ્ટ રાષ્ટ્રને કારણે જાન જાય છે, પરિવારો પ્રભાવિત થાય છે, અર્થવ્યવસ્થા પ્રભાવિત થાય છે, દેશને આ બધું સહન કરવું પડે છે. એટલે આ રાજનીતિને બહાર રાખવાની વાત નહીં, પરંતુ આતંકવાદને બહાર રાખવાની વાત છે.”