ઇન્ટરનેશનલ

શેખ હસીના પર કત્લેઆમના આદેશ આપવાનો ગંભીર આરોપ: માનવતા વિરુદ્ધ ગુનાનો કેસ દાખલ

ઢાકા: ગત વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનથી શરુ થયેલી હિંસા દેશભરમાં ફેલાઈ હતી, જેને કારણે તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના એ રાજીનામુ આપીને દેશ છોડવો પડ્યો હતો.

આ દરમિયાન થયેલી હિંસા માટે ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલમાં માટે બાંગ્લાદેશી વકીલોએ મુકદમો દાખલ કર્યો છે. શેખ હસીના વિરુદ્ધના ‘માનવતા વિરુદ્ધ ગુના’(crimes against humanity)નો આરોપ મુકવામાં આવ્યો છે.

બાંગ્લાદેશના અખબારના જણાવ્યા મુજબ, શેખ હસીના ઉપરાંત દેશના પૂર્વ ગૃહ પ્રધાન અસદુઝમાન ખાન કમાલ અને ભૂતપૂર્વ આઈજીપી ચૌધરી મામુનના નામ પણ સહઆરોપી તરીકે દખલ કરવામાં આવ્યા છે. ગત વર્ષે જુલાઈમાં રાષ્ટ્રવ્યાપી બળવા દરમિયાન સામૂહિક હત્યાકાંડનો આદેશ આપવામાં તેમની ભૂમિકા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

આપણ વાંચો: શેખ હસીનાનું પ્રત્યાર્પણ થશે? બાંગ્લાદેશે ઇન્ટરપોલનો સંપર્ક સાધ્યો

બળવાને કચડી નાખવા સશસ્ત્ર દળોને છૂટો દોર:

ચીફ પ્રોસીકયુટર મોહમ્મદ તાજુલ ઇસ્લામ અને તેમની ટીમે હસીના પર જુલાઈ અને ઓગસ્ટમાં હિંસા ભડકાવવામાં મુખ્ય કાવતરાખોર હોવાનો આરોપ લગાવ્યો છે.

મોહમ્મદ તાજુલ ઇસ્લામે અખબારને જણાવ્યું હતું કે પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમણે હિંસાના આદેશ આપ્યા હતાં. આરોપીઓએ બળવાને કચડી નાખવા માટે તમામ એજન્સીઓ અને તેના સશસ્ત્ર દળોને છૂટો દોર આપ્યો હતો.

આપણ વાંચો: મોહમ્મ્દ યુનુસની નવી ચાલ, શેખ હસીનાના પક્ષના એક લાખ કાર્યકર્તા ભારતમાં પહોંચી ગયાનો કર્યો દાવો…

દેશ છોડવો પડ્યો:

ગયા વર્ષે જુલાઈમાં શેખ હસીનાની તત્કાલીન સરકાર વિરુદ્ધ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, દેશભરમાં મોટા પાયે તોડફોડ અને હિંસા થઈ હતી. શેખ હસીનાએ 5 ઓગસ્ટના રોજ રાજીનામું આપ્યું અને ઢાકામાં પોતાનું સરકારી નિવાસસ્થાન ખાલી કરીને ભારત આવી ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button