ઇન્ટરનેશનલ

ક્રોએશિયાના વિદેશ પ્રધાનની શરમજનક હરકત! જર્મન મહિલા પ્રધાનને જાહેરમાં કિસ કરવાની કોશિશ કરી

જર્મનીના બર્લિનમાં યુરોપિયન યુનિયન(EU) કોન્ફરન્સમાં ગ્રુપ ફોટો સેશન દરમિયાન વિવાદ થયો હતો. ક્રોએશિયાના વિદેશ પ્રધાન ગોર્ડન ગ્રલિક રેડમેને જર્મનીના વિદેશ પ્રધાન એન્નાલેના બેરબોકને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાદ તેમની ઘણી ટીકા થઈ હતી, ત્યારબાદ તેણે પોતાના શરમજનક કૃત્ય માટે માફી માંગવી પડી હતી.

ક્રોએશિયાના વિદેશ પ્રધાન ગોર્ડન ગ્રલિક રેડમેની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 65 વર્ષીય રેડમેન જર્મન પ્રધાન અન્નાલેના બેરબોક સાથે હાથ મિલાવવા આગળ વધે છે તેને કિસ કરવાનો પ્રયાસ કરે છે. બેરબોક ક્રોએશિયન નેતા રેડમેનના પગલાથી ચોંકી ઉઠ્યા હતા, નારાજગી તેમના ચહેરા પર સ્પષ્ટ વ્યક્ત દેખાતી હતી. ફોટો સેશન સમાપ્ત થયા પછી, બેરબોકે રેડમેનથી અંતર જાળવ્યું હતું. હાજર અન્ય નેતાઓ ફોટો સેશન દરમિયાન આ હરકત જોઈને ચોંકી ગયા હતા.

અગ્રણી ક્રોએશિયન મહિલા અધિકાર કાર્યકર્તા રાડા બોરીકે રેડમેનની હરકતને શરમજનક ગણાવી હતી. તેણે કહ્યું કે વ્યાવસાયિક સંબંધોમાં આવા કૃત્યો માટે કોઈ સ્થાન નથી.

ક્રોએશિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન જદ્રંકા કોસોરે રેડમેનનું નામ લીધા વિના આ ઘટના પર નિશાન સાધ્યું અને X પર પોસ્ટ કરીને કહ્યું કે મહિલાઓને અયોગ્ય રીતે કિસ કરાવીએ એ પણ હિંસા જ કહેવાય.

રેડમેને પોતાની ભૂલ માટે માફી માંગી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button