દાદાસાહેબ ફાળકે અવૉર્ડ માટે વહીદા રહેમાનની પસંદગી
નવી દિલ્હી: ભારતીય ફિલ્મજગતના સૌથી સન્માનીય દાદાસાહેબ ફાળકે અવોર્ડ માટે પીઢ અભિનેત્રી વહીદા રહેમાનની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે પોતાના અધિકૃત એકસ અકાઉન્ટમાં આ જાહેર કયુર્ં હતું. અનુરાગ ઠાકુરે કહ્યું કે “ભારતીય સિનેમામાં ઉત્તમ પ્રદાન માટે વહીદા રહેમાનજીને અવોર્ડ માટે પસંદ કરાયા છે. તે જાહેર કરતા મને અત્યંત આનંદ અને ગૌરવની લાગણી થઇ રહી છે. ઠાકુરે પોતાની અધિકૃત સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર કહ્યું હતું કે જે સમયે ઐતિહાસિક નારી શક્તિ વંદન અધિનિયમ સંસદે પસાર કર્યો છે. ત્યારે તેમને આ લાઇફટાઇમ એચીવમેન્ટ અવોર્ડ આપવામાં આવ્યો છે તે ભારતીય સિનેજગતના અગ્રગણ્ય અભિનેત્રીઓમાંથી એકને ઉપયુક્ત સન્માન છે. ફિલ્મ કારકિર્દી પછીનું
જીવન તેમણે ધર્માદા પ્રવૃત્તિઓ અને સમાજના હિત માટે સમર્પિત કર્યું છે. મારા તેમને અભિનંદન અને તેમની ભાતીગળ અભિનય કારકિર્દીને મારા નમ્ર નમન.
વહીદા રહેમાને પોતાના પ્રતિભાવમાં કહ્યું કે મને ખૂબ આનંદ છે કે દેવ આનંદની વર્ષગાંઠના દિવસે આ અવોર્ડ જાહેર થયો તેની મને બેવડી ખુશી છે. હું માનું છું કે “તોહફા ઉનકો મિલના થા, મુઝે મિલ ગયા તેમની ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણી ચાલી રહી છે. ત્યારે મને આ સન્માન મળ્યું છે. સરકારે મારી પસંદગી કરી તેની મને ખૂબ ખુશી છે અને આભારી છું. અવોર્ડની ખુશી અને દેવ સાબની ૧૦૦મી જન્મ જયંતીનું એમ બન્નેની ઉજવણી ભેગી થઇ છે.
વહીદા રહેમાન પ્યાસા, સીઆઇડી, ગાઇડ, કાગઝ કે ફૂલ, ખામોશી અને ત્રિશૂલ સહિતની ફિલ્મો માટે જાણીતા છે. વહીદા રહેમાન તેલુગુ ફિલ્મ ‘રોજુલુ મારાયી’ અને ‘જયસિંહા’થી ૧૯૫૫માં અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૫૬માં દેવ આનંદની સીઆઇડી ફિલ્મથી વહીદા રહેમાને હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. દેવ આનંદ સાથેની ‘ગાઇડ’ ફિલ્મ દર્શકોની ફેવરિટ હતી. વહીદા રહેમાને ‘પ્યાસા’ કાગઝ કે ફૂલ અને ચૌદહવી કા ચાંદ ફિલ્મમાં ઉત્તમ અભિનય આપ્યો હતો. પાંચ દાયકાની કારકિર્દીમાં વહીદા રહેમાને વિવિધ ભાષાઓમાં ૯૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
૧૯૭૧ની ફિલ્મ રેશમા અને શેરા માટે નેશનલ ફિલ્મ અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વહીદા રહેમાનને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.
વહીદા રહેમાનને વડા પ્રધાન મોદીએ અભિનંદન આપ્યા
નવી દિલ્હી: અભિનય ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન બદલ અભિનેત્રી વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચિવમેન્ટ એવૉર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વહીદા રહેમાનની નિષ્ઠા, ટેલન્ટ અને ભારતીય સિનેમાને આપેલા અમૂલ્ય વારસાની પ્રશંસા કરી હતી.
ભારતીય સિનેમામાં વહીદા રહેમાને અસાધારણ યોગદાન આપ્યું છે અને સીમાચિરૂપ સિદ્ધિ મેળવી હોવાનું જણાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપ્યા હતા. (એજન્સી)