અમેરિકામાં શાળામાં ગોળીબાર, ગોળીબારમાં શૂટર સહિત પાંચના મોત
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. વિસ્કોન્સિનના મેડિસનમાં એક ક્રિશ્ચિયન સ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે, જેમાં ૫ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગોળીબાર કરનારનું પણ મોત થયું હોવાનું કહેવાય છે. આ ફાયરિંગમાં છ લોકો ઘાયલ થયા છે. પોલીસ હજુ સુધી ગોળીબાર કરનારની ઓળખ છતી કરી નથી. તેણે આ ગુનો શા માટે કર્યો તે અંગે પોલીસ માહિતી મેળવી રહી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સવારે 10.57 વાગ્યે એબન્ડન્ટ લાઇફ ક્રિશ્ચિયન સ્કૂલમાં ગોળીબાર થયો હતો. ગોળીબારની ઘટના બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમને ઘણા લોકો ઘાયલ જોવા મળ્યા હતા. મેડિસનની ખાનગી શાળા, જ્યાં ગોળીબાર થયો હતો, ત્યાં કિન્ડરગાર્ટનથી 12 સુધીના ધોરણમાં 400 વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે.
શૂટર, શાળાનો જ એક વિદ્યાર્થી હતો જેણે હેન્ડગનનો ઉપયોગ કર્યો હતો, તે પણ શાળાની અંદર મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું.
Also Read – કેનેડામાં સંકટ: ડેપ્યુટી PM એ આપ્યું અચાનક રાજીનામું…
અધિકારીઓએ શૂટરનું નામ, ઉંમર અથવા લિંગ જણાવવનો ઇનકાર કર્યો હતો, પણ આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર શૂટર એક 17 વર્ષની છોકરી હતી જેણે શૂટિંગ બાદ પોતાને પણ ગોળી મારી દીધી હતી.
નોંધનીય છે કે અમેરિકામાં દરરોજ ગોળીબારની ઘટનાઓ બને છે. તાજેતરમાં અમેરિકામાં એક ક્લબમાં ગોળીબાર થયો હતો, જ્યારે થોડા દિવસ પહેલા એક સ્કૂલમાં પણ આવું જ શૂટિંગ થયું હતું.
18 જુલાઈ, 2022 ના રોજ, યુએસએના ઇન્ડિયાનામાં ગ્રીનવુડ પાર્ક મોલમાં ગોળીબારની ઘટના બની હતી. આ સામૂહિક ગોળીબારમાં 10 લોકો માર્યા ગયા હતા.