ઇન્ટરનેશનલ

રશિયાના કારણે સાઉદી અરેબિયાએ ઉઠાવવું પડ્યું આ પગલું

એશિયન ઓઇલનું પ્રિમીયમ ઘટતા ભારતને બલ્લે બલ્લે

નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાએ તેના ક્રૂડ ઓઈલ પરના એશિયન પ્રીમિયમમાં પ્રતિ બેરલ 3.50 ડૉલરનો ઘટાડો કરીને વૈશ્વિક તેલ બજારમાં એક મોટું પગલું ભર્યું છે. ગયા વર્ષ સુધી, સાઉદી અરેબિયા ક્રૂડ ઓઈલ પર લગભગ 10 ડૉલરનું પ્રીમિયમ વસૂલતું હતું. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સાઉદીએ રશિયા પાસેથી મળતા સસ્તા ક્રૂડને ટક્કર આપવા માટે આ પગલું ભર્યું છે. એશિયન પ્રીમિયમમાં ઘટાડાને કારણે હવે ભારતને સાઉદી અરેબિયા પાસેથી પહેલા કરતા ઓછા ભાવે ક્રૂડ ઓઈલ મળશે. રશિયા અને ઈરાન પછી ભારતમાં તેલની નિકાસ કરનાર સાઉદી અરેબિયા ત્રીજો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે.

એશિયન પ્રીમિયમ એ OPEC દેશો દ્વારા એશિયન દેશોમાંથી ક્રૂડ ઓઈલની વાસ્તવિક કિંમત કરતાં વસૂલવામાં આવતી વધારાની કિંમત છે. ભારતે હંમેશા ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશો પર આ પ્રીમિયમ ન વસૂલવા દબાણ કર્યું છે. આટલું જ નહીં, ભારતે હંમેશા ઓપેક દેશો પાસેથી એશિયન ડિસ્કાઉન્ટની માંગણી કરી છે.


હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં ઘણા દેશો ક્રૂડ ઓઈલ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે અને કેટલાક દેશો પ્રીમિયમ વસૂલ કરી રહ્યા છે, ત્યારે ક્રૂડ ખરીદનારા દેશો પણ સૌથી સસ્તી ડીલને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા તેલના વેચાણની કિંમત પર પ્રીમિયમ વસૂલ કરે છે, ત્યારે સંયુક્ત આરબ અમીરાત કોઈ વધારાની રકમ વસૂલતું નથી.

સાઉદીના આ પગલા પહેલા જ ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકના ઘણા સભ્ય દેશોએ એશિયન પ્રીમિયમને નાબૂદ કરી દીધું હતું અથવા તો તેમાં ઘણો ઘટાડો કર્યો હતો. હવે મુખ્ય ક્રૂડ ઉત્પાદક દેશ સાઉદી અરેબિયા દ્વારા પ્રીમિયમમાં ઘટાડો કરવાના નિર્ણયથી ક્રૂડ ઓઈલની વધતી કિંમતો ફરી એકવાર અટકશે તેવી આશા છે. આ કાપ બાદ સાઉદી અરેબિયાના ક્રૂડ ઓઈલની માંગ વધી શકે છે.


આને કારણે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાનો ભય દૂર થશે અને લોકોને સસ્તુ ઈંધણ મળવાની આશા વધશે. આ સપ્તાહની શરૂઆતમાં કાચા તેલની કિંમત બેરલ દીઠ $95ને પાર કરી ગઈ હતી. આ પહેલા ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરની આસપાસ હતી.

પ્રીમિયમમાં આ ઘટાડા બાદ ઈંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. ઉત્પાદન અને પરિવહન ખર્ચ ઘટવાથી ઉદ્યોગો અને સામાન્ય લોકોને ફાયદો થશે. ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સસ્તા ઈંધણથી સૌથી વધુ રાહત મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button