1,150 ફૂટ ઊંચે આકાશમાં ફૂટબૉલનું ગ્રાઉન્ડ!: માનવામાં નથી આવતુંને? પણ, સાઉદી અરેબિયામાં…
Top Newsઇન્ટરનેશનલસ્પોર્ટસ

1,150 ફૂટ ઊંચે આકાશમાં ફૂટબૉલનું ગ્રાઉન્ડ!: માનવામાં નથી આવતુંને? પણ, સાઉદી અરેબિયામાં…

રિયાધ: ફૂટબૉલ ખેલાડીઓ 350 મીટર (1150 ફૂટ) ઊંચે બનનારા મેદાન પર ફિફા વર્લ્ડ કપની મૅચો રમશે એવું જો કોઈ વ્યક્તિને કહેવામાં આવે તો એ વ્યક્તિ માનવા તૈયાર જ ન થાય, પરંતુ કેટલાક અહેવાલો અનુસાર આ હકીકત બનવા જઈ રહી છે. સાઉદી અરેબિયા આટલી ઊંચાઈએ ફૂટબૉલનું ‘ સ્કાય સ્ટેડિયમ’ તૈયાર કરવાનું છે.

2034માં રમાશે ફિફા વર્લ્ડ કપ

2034નો ફિફા વર્લ્ડ કપ મધ્ય પૂર્વના દેશ સાઉદી અરેબિયા (Saudi Arabia)માં રમાવાનો છે અને એ માટે સાઉદી સરકારે અત્યારથી ચક્રો ગતિમાન કરી દીધા છે. 2027માં આ અદભુત અને વિશ્વભરના સૌથી અનોખા સ્ટેડિયમ (Stadium)નું બાંધકામ શરૂ કરવામાં આવશે અને પાંચ વર્ષમાં (2032 સુધીમાં) સ્ટેડિયમ તૈયાર કરી નાખવામાં આવશે. સાઉદીમાં ફિફા વર્લ્ડ કપની મૅચો માટે કુલ 11 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે અને આ સ્ટેડિયમ એમાંનું એક છે.

88 અબજનો ખર્ચ, 46,000 પ્રેક્ષકો

વિશ્વમાં તેલના ઉત્પાદક દેશોમાં સૌથી મોટા સામ્રાજ્ય તરીકે જાણીતા સાઉદી અરેબિયાના આ નીઓમ સિટી સ્ટેડિયમમાં 46,000 પ્રેક્ષકો બેસીને વિશ્વ કપ ફૂટબૉલની મૅચો માણી શકશે. આ ઐતિહાસિક સ્ટેડિયમ એક અબજ ડૉલર (અંદાજે 88.25 અબજ રૂપિયા)ના ખર્ચે બનાવવામાં આવશે.

https://twitter.com/DeadlineDayLive/status/1982894966352556302

આ સ્ટેડિયમનો આઈડિયા સત્ય છે કે અટકળ?

સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર આ સ્કાય સ્ટેડિયમના પ્રોજેક્ટની વિગતો, ફોટો અને વીડિયો વાઇરલ થયા છે. જોકે કેટલાકનું માનવું છે કે ફોટો અને વિડીયો ડિજીટલી ઓલ્ટર્ડ છે અને સત્તાવાર ડિઝાઇન્સ સાથે એ અસંગત છે. આઇપીએલની લખનઊ સુપર જાયન્ટ્સ ટીમ અને ઇન્ડિયન સુપર લીગની મોહન બગાન નામની ફૂટબૉલ ટીમના માલિક સંજીવ ગોયેન્કાએ એક્સ પર આ સંભવિત સ્ટેડિયમને અદ્યતન વિશ્વ સાથે જોડીને પોતાના વિચારો પ્રગટ કર્યા છે.

ઊંચે લોકો કેવી રીતે પહોંચશે?

આ ઊંચા સ્કાય સ્ટેડિયમ સુધી પહોંચવા માટે હાઈ-સ્પીડ એલિવેટરની તેમ જ ઑટોનોમસ પોડ્સની વ્યવસ્થા રાખવામાં આવશે. 21મી સદીનું આ સૌથી આધુનિક સ્ટેડિયમ બનાવવામાં સૂર્ય ઊર્જા તથા પવન ઊર્જા જેવા રીન્યૂએબલ્સનો જ ઉપયોગ કરાશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button