એક જ દિવસમાં 8ને ફાંસી, આ મુસ્લિમ દેશમાં 7 મહિનામાં 230ને ફાંસી, 2024માં 345ને લટકાવેલા

સાઉદી અરેબિયા: વિશ્વમાં એક દેશ એવો પણ છે જ્યાં જઘન્ય ગુના માટે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે છે. જેનો આંકડો અન્ય દેશો કરતા વધારે છે. વાત છે ઇસ્લામિક દેશ સાઉદી અરેબિયાની, અહીં ફાંસીની સજા આપવાના કેસોમાં પાછલા વર્ષો કરતા વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાઉદી અરેબિયાએ એક જ દિવસમાં એક બે નહીં પરંતુ આઠ લોકોને ફાંસીની સજા આપી છે. જેમાં મોટાભાગના લોકો ડ્રગ્સની દાણચોરીના આરોપી હતા.
માતાની હત્યાના આરોપમાં સાઉદી નાગરિકને પણ ફાંસી અપાઈ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શનિવારે ચાર સોમાલી અને ત્રણ ઇથોપિયન નાગરિકોને હશીશની દાણચોરી કરવાના ગુનામાં નજરાનમાં ફાંસી આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન માતાની હત્યાના આરોપમાં એક સાઉદી નાગરિકને પણ ફાંસી આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, સાઉદીમાં ડ્રગ્સના ગુનામાં ફાંસીની સજા આપવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં હવે સાઉદીએ એક જ દિવસમાં આઠ લોકોને ફાંસીએ ચડાવ્યાં છે.
સાઉદીએ 2024માં 345 લોકોને ફાંસીની સજાએ ચડાવ્યાં હતા
સાઉદી પોતાના દેશમાં ડ્ર્ગ્સની તસ્કરી કરતા લોકોને ફાંસીની સજા આપે છે. જેના કારણે વૈશ્વિક સ્તરે તેની ખૂબ જ આલોચના પણ થાય છે. વિરોધ થયા આવા કેસમાં ફાંસીની સજા આપવામાં થોડા સમય માટે રોક લગાવી હતી પરંતુ ફરી 2021માં સાઉદીએ આ રોકને હટાવી દીધી અને ફાંસીની સજા આપવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર મામલે બ્રિટનમાં આવેલ સંગઠન રિપ્રીવ અને યુરોપિયન સાઉદી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્સે ડ્રગ્સના કેસોને લગતી ફાંસીની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. એક અહેવાલ પ્રમાણે સાઉદી અરેબિયાએ 2024માં 345 લોકોને ફાંસીની સજાએ ચડાવ્યાં હતાં. જેમાંથી અનેક લોકોના અપરાધ તો સામાન્ય હતાં.
2025માં 230 લોકોને ફાંસી આપવામાં આવી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2025ની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં 230 લોકોને ફાંસી આપવામાં આવી છે. જેમાંતી 154 લોકો ડ્રગ્સના કેસમાં આરોપી હતા. 2024માં જે લોકોને ફાંસી આપવામાં આવી તેમાંથી 92 વિદેશી નાગરિક હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સંખ્યાં પાછલા વર્ષો કરતા અનેક ઘણી વધી ગઈ છે. સાઉદી અરેબિયામાં 36 ટકા લોકો વિદેશી છે. પરંતુ સાઉદી અરેબિયાના કાયદા ખૂબ જ કડક હોય તેવું પણ અન્ય દેશોને લાગી રહ્યું છે. એક જ વર્ષમાં આટલા લોકોને ફાંસી આપવી એ કોઈ નાની વાત તો નથી. આ જ કારણ છે કે, વિશ્વના અન્ય દેશો આ કાર્યવાહીની આલોચના કરી રહ્યાં છે.